ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દોષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દંભ અને પાખંડ છે. આ હુમલાઓમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોના મોત થયા છે, જે કોઈપણ દેશની સંપ્રભુતા અને યુએન ચાર્ટરનું સીધું ઉલ્લંઘન છે.‘
પાકિસ્તાન જ આતંકી સંગઠનોનો ઉપયોગ કરે છે: પી. હરીશ
પી. હરીશે વધુમાં વિગત આપતા જણાવ્યું કે, ૬ માર્ચ, ૨૦૨૬ સુધીમાં થયેલા આ હુમલાઓમાં ૧૮૫ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જેમાં ૫૫%થી વધુ મહિલાઓ અને બાળકો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇસ્લામાબાદ પોતે જ આતંકવાદી સંગઠનોનો ઉપયોગ પાડોશી દેશો પર હુમલા કરવા માટે કરે છે. ભારત તરફથી લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ‘ જેવા આતંકવાદી સંગઠનો સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે આતંકવાદ સામે સખત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંઘર્ષને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગી
અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જાેર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની સરહદો બંધ કરી દેતા હવે વેપાર માટે માત્ર ઈરાનનો માર્ગ જ બચ્યો છે, પરંતુ ત્યાં પણ યુદ્ધ જેવી સ્થિતિને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. સરહદો પર વધતી અસ્થિરતાને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત નબળી પડી રહી છે, જે સમગ્ર દેશની સ્થિરતા માટે ખતરો બની રહી છે.

