મહાશિવરાત્રિ પર ઉખીમઠમાં તારીખ જાહેર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે ૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે ખુલશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના પછી શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ વર્ષે કપાટ વૃષ લગ્નમાં ખુલશે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે કેદારનાથ યાત્રા ગયા વર્ષની સરખામણીમાં વહેલી શરૂ થઈ રહી છે.
૨૦૨૫માં ધામના કપાટ ૨ મેના રોજ ખુલ્યા હતા, જ્યારે આ વખતે ૨૨ એપ્રિલે ખુલશે. એટલે કે શ્રદ્ધાળુઓ આ વખતે ૧૦ દિવસ વહેલા બાબા કેદારના દર્શન કરી શકશે. તારીખ જાહેર થતાં જ શાસન-પ્રશાસન અને બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ યાત્રાની તૈયારીઓને તેજ કરી દીધી છે. પદયાત્રા માર્ગ પરથી બરફ હટાવવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને યાત્રીઓ માટે સુવિધાઓ સુધારવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ વખતે યાત્રાને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કપાટ ખુલવાની તારીખની ઘોષણા સાથે કેદારનાથ ધામના નવા રાવલ કેદાર લિંગના નામની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવી. રાવલ ધામની પૂજા પદ્ધતિ, પરંપરાઓ અને ધાર્મિક વ્યવસ્થાના સર્વોચ્ચ સંરક્ષક માનવામાં આવે છે અને તેમના નિર્દેશનમાં જ કપાટ ખુલવાથી લઈને મુખ્ય અનુષ્ઠાનો સંપન્ન કરાવવામાં આવે છે. આ વર્ષે ધામમાં ટી ગંગાધર લિંગ મુખ્ય પૂજારીની જવાબદારી નિભાવશે. પરંપરા અનુસાર કેદારનાથ ધામના રાવલ દક્ષિણ ભારતના કર્ણાટકના વીરશૈવ (લિંગાયત) સંપ્રદાયના હોય છે.
આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત આ પરંપરા હેઠળ રાવલની નિયુક્તિ સદીઓથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અને અનુશાસનનું પ્રતીક માનવામાં આવે છે. આ પહેલા ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ભાઈ બીજના અવસરે કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. કપાટ બંધ થયા પછી બાબાની ડોલી પગપાળા માર્ગેથી રવાના થઈને લગભગ ૫૫ કિલોમીટરની યાત્રા પૂરી કરીને ૨૫ ઓક્ટોબરના રોજ ઉખીમઠ પહોંચી હતી, જ્યાં ઓમકારેશ્વર મંદિરમાં શિયાળુ નિવાસ શરૂ થયો.
મંદિર સમિતિ અનુસાર, ૨૦૨૫ ની યાત્રા દરમિયાન ૧૭,૬૮,૭૯૫ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા. ૨૦૧૩ ની આપત્તિ પછી આ બીજાે અવસર હતો જ્યારે આટલી મોટી સંખ્યામાં ભક્તો ધામ પહોંચ્યા. દેવભૂમિ ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે અક્ષય તૃતીયાથી શરૂ થશે. પરંપરા અનુસાર, ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વિધિ-વિધાન સાથે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. તે પહેલાં, મા ગંગાની ઉત્સવ ડોલી મુખવા ગામથી અને મા યમુનાની ડોલી ખરશાલીથી પ્રસ્થાન કરીને ધામ પહોંચશે, ત્યારબાદ નિયમિત દર્શન શરૂ થશે. ત્યારબાદ, કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સવારે ૮ વાગ્યે ખોલવામાં આવશે, જ્યારે બદ્રીનાથ ધામના કપાટ ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સવારે ૬ વાગીને ૧૫ મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ વસંત પંચમી પર નરેન્દ્ર નગર રાજમહેલમાં પરંપરાગત ગણતરી પછી જાહેર કરવામાં આવી હતી.

