હરિયાણાના ગુરુગ્રામ સ્થિત માનેસર ખાતે કલમ ૧૬૩ લાગુ હોવા છતાં ગુરુવારે હજારોની સંખ્યામાં હડતાળી કર્મચારીઓ એકઠા થયા. જેમને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ, આ દરમિયાન ૨૦થી વધુ કર્મચારીઓને ઈજાઓ થઈ છે. એક કર્મચારીના માથામાં ગંભીર ઈજા થઈ છે. ઘણું લોહી વહી ગયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઉશ્કેરાયેલા હડતાળીઓએ પોલીસની એક બાઇક સળગાવી દીધી અને ગાડી પર પથ્થરમારો કર્યો. જેના કારણે આગળનો કાચ તૂટી ગયો. ઘણા કલાકો સુધી અથડામણ ચાલુ રહી.
આ વિવાદ બાદ ઘણી કંપનીઓની બહાર પગાર વધારા સંબંધિત સરકારના આદેશવાળી નોટિસ ચોંટાડવામાં આવી.થોડા દિવસો પહેલા હોન્ડા કંપનીમાં પગાર વધારાને લઈને હડતાળ થઈ હતી. ત્યારબાદ ૩ દિવસથી અડધો ડઝનથી વધુ મોટી કંપનીઓ સુધી તેની અસર પહોંચી ગઈ. જાેકે, હોન્ડા કંપનીના કરાર બાદ કર્મચારીઓ કામ પર પાછા ફર્યા. સત્યમ, મુંજાલ શોવા, રિકો અને અન્ય કંપનીઓના કર્મચારીઓ ૩ દિવસથી કામ પર પાછા ફરવા તૈયાર થયા નથી.પોલીસ પ્રશાસને કહ્યું કે અહીં કલમ ૧૬૩ લાગુ કરીને ધરણા-પ્રદર્શન પર રોક લગાવી દીધી હતી. પરંતુ, પ્રદર્શનકારીઓ માન્યા નહીં. કર્મચારી નેતાઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ વર્કર્સ લાંબા સમયથી શોષણનો ભોગ બની રહ્યા છે. લઘુત્તમ વેતન, ઓવરટાઇમ ચુકવણી, સુરક્ષા અને કાયમીકરણ જેવી માંગણીઓ વર્ષોથી પેન્ડિંગ છે.

