National

યાત્રી ફર્સ્ટ: રેલવેની નવી વ્યવસ્થા

ટ્રેનોમાં સ્વચ્છતા માટે રેલવે નવી વ્યવસ્થા અપનાવવા જઈ રહ્યું છે. હવે રિઝર્વ શ્રેણીની સાથે જ જનરલ કોચોની પણ યાત્રા દરમિયાન સફાઈ થશે. આ વ્યવસ્થા સૌથી પહેલા આગામી છ મહિનામાં ૮૦ ટ્રેનોમાં લાગુ પડશે.

રેલવેએ ‘૫૨ સપ્તાહ, ૫૨ રિફોર્મ’નો સંકલ્પ લીધો છે. આ અંતર્ગત દર સપ્તાહે એક રિફોર્મ કરવાની યોજના છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે હવે ચાલતી ટ્રેનોમાં બાથરૂમ, ડસ્ટબિન, કોચની સફાઈ નિયમિત અંતર એટલે કે ૧ થી ૨ કલાકની અંદર થતી રહેશે. પ્રથમ તબક્કામાં આ વ્યવસ્થા લાંબા અંતરની ૮૦ ટ્રેનોમાં લાગુ પડશે. સફાઈ ન થઈ હોય અથવા બરાબર ન થઈ હોય તો યાત્રી ફોટો રેલ વન એપ અથવા રેલવેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકી શકશે. નાની-મોટી ઇલેક્ટ્રિક મરામત જેવી કે લાઇટ કે સ્વીચ કામ ન કરવા જેવી ફરિયાદોને પણ ચાલતી ટ્રેનમાં દૂર કરી શકાશે.

દરેક ઝોનમાંથી ૫-૬ ટ્રેનોને પ્રથમ તબક્કામાં ચિહ્નિત કરીને સફાઈ વ્યવસ્થા લાગુ પડશે. સફાઈની જૂની પદ્ધતિઓથી શું ફરક પડશે? રેલ મંત્રીએ કહ્યું કે પહેલાં લિનન ઉપલબ્ધ કરાવનાર વેન્ડર અલગ હતો, બાથરૂમ, કોચની સફાઈનો અલગ હતો. હવે પારદર્શક રીતે કામ આપવામાં આવશે, જેથી જવાબદારી એક જગ્યાએ રહે. સફાઈની દેખરેખ છૈં કેમેરાથી થશે.