બેન્કિંગ સિસ્ટમમાં નકદી (લિક્વિડિટી)ની કમી ન થાય તે માટે ભારતીય રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષ (એફવાય ૨૬) દરમિયાન અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલાં કુલ બોન્ડ્સમાંથી અંદાજે ૪૭ ટકા ભાગ પોતે ખરીદ્યો છે. આરબીઆઈના આંકડા મુજબ, કેન્દ્ર સરકારે ૪ એપ્રિલ ૨૦૨૫ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે પોતાનાં દેવા કાર્યક્રમ હેઠળ ૧૩,૬૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા.
આ જ સમયગાળા દરમિયાન આરબીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ) દ્વારા ૬,૩૯,૨૦૩ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ્સ ખરીદ્યા, જેથી બેંકો પાસે નાણાંની કમી ન થાય અને બજારમાં નકદી જળવાઈ રહે. વિશેષજ્ઞોના કહેવા મુજબ, સરકાર જ્યારે મોટા પાયે બજારમાંથી લોન લે છે ત્યારે બેન્કિંગ સિસ્ટમમાંથી નકદી ઘટી જાય છે અને બોન્ડ યીલ્ડ વધવા લાગે છે. આરબીઆઈએ બજારમાંથી પોતે બોન્ડ્સ ખરીદીને સિસ્ટમમાં નાણાં આપ્યાં છે, જેનાં કારણે બજારમાં સ્થિરતા જળવાઈ રહી. આરબીઆઈના આ પગલાથી બેંકોને નકદીની તંગીથી બચવામાં મદદ મળી.

