કોઇપણ ગ્રુપની કિડની ગમે તે દર્દીને આપી શકાશે: રિસર્ચમાં મોટી છલાંગ
કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે વિજ્ઞાનીઓએ એક મોટી અને નવી આશા જગાવનારી સફળતા હાંસલ કરી છે. વર્ષોની મહેનત બાદ રિસર્ચરોએ મુકામ પર પહોંચી ગયા છે જેમાં કોઇપણ બ્લડગ્રુપ ધરાવતા ડોનરની કિડની કોઇપણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ વૈજ્ઞાનિક કમાલને પગલે કિડની માટેની લાંબી પ્રતિક્ષા યાદી ઓછી થશે અને હજારો જીંદગીઓને બચાવી શકાશે.કેનેડા તથા ચીનના વૈજ્ઞાનિકોની એક સંયુક્ત ટીમે યુનિવર્સલ કિડની તૈયાર કરી છે જેને સૈધ્ધાંતિક રીતે કોઇપણ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. યુનિવર્સલ કિડનીનું બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરમાં પરિક્ષણ કરવાનું આવ્યું હતું અને તે ઘણા દિવસો સુધી જીવંત રહેવા સાથે કામ કરતી રહી હતી. પરિવારની સંપતિથી આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબીયાના વૈજ્ઞાનિક સ્ટીફન વિર્ધ્સે કહ્યું કે પ્રથમ વખત આ મોડલમાં સફળતા મળી છે અને ભવિષ્યમાં સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવામાં મદદ મળશે.નવા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ ટાઇપ-એ કિડનીને ટાઇપ-ઓ જેવી બનાવી દીધી હતી. આ પ્રક્રિયાથી કિડનીમાં બ્લડગ્રુપની ઓળખ જ ભુંસાઇ જાય છે અને કોઇપણ દર્દીમાં આરોપણ કરી શકાય છે. જાે કે, માનવી પર સંપૂર્ણ ટ્રાયલ શરુ કરવામાં હજુ સમય લાગે તેમ છે. અત્યારે હાલત એવી છે જે જે લોકોના બ્લડ ગ્રુપ ‘ઓ’ હોય તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ‘ઓ’ ગ્રુપની કિડની જ રાહ જાેવી પડે છે અને તેને કારણે લાંબુલચક વેઇટીંગ લીસ્ટ છે.
પ્રવર્તમાન તબીબી ક્ષેત્રે પણ જુદા બ્લડ ગ્રુપની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સુવિધા છે. પરંતુ તે માટે દર્દીના શરીરને અગાઉથી તૈયાર કરવું પડે છે જેથી તે કિડનીને રિજેક્ટ ન કરે. આ પ્રક્રિયા જાેખભરી હોય છે અને મોટાભાગના કિસ્સામાં જીવતા ડોનરની જરૂરત રહે છે એટલે તમામ લોકો માટે તે વ્યવહારિક નથી.યશોદા મેડીસીટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલના કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રિન્સીપાલ ડાયરેક્ટર ડો. એલ.કે. ઝાના કહેવા પ્રમાણે ભારતમાં ૧૦ લાખ લોકો એન્ડ સ્ટેજ કિડનીની બિમારી ધરાવે છે અને દર વર્ષે અઢી લાખ ઉમેરાય છે. માત્ર ૧૫-૨૦ હજાર લોકોને જ કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા મળી શકે છે.

