મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં દુર્ગાપુર વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી ૭ વર્ષ મોટી પ્રેમિકાની હત્યાના ૨૦ દિવસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે તેનું મોત થયું ત્યારથી તેનો પ્રેમી તેણે આત્મહત્યા કરી હોવાનું રટણ કરતો રહ્યો હતો. જાેકે હવે લગભગ ૨૦ દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ યુવકે મોબાઈલ ચાર્જના વાયરથી પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે અને હત્યારા યુવકની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ ૨૨ વર્ષના આરોપી અંકેશ યોગેશ બહિરવાર મહારાષ્ટ્રના સોનાપુરમાં રહે છે, જ્યારે ૨૯ વર્ષની મૃતક પ્રિયંકા તુકુમની રહેવાસી હતી. છેલ્લા કેટલાક દિવસથી બંને લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. પ્રિયંકા પોતાના પતિને છોડીને જુદી રહેતી હતી, ત્યારે તેની મુલાકાત અંકેશ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયા બાદ તેમના જીવનમાં બધુ સામાન્ય ચાલતું હતું, જાેકે થોડો સમય વિત્યાબાદ બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.
પ્રિયંકાની હત્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં બંને વચ્ચે વારંવાર તણાવ અને મતભેદ હોવાથી વિવાદ ચાલતો હતો. પ્રિયંકા કેટલીક બાબતોમાં અંકેશ પણ દબાણ કરતી હતી. તે અંકેશને તેના પરિવાર સાથે વાતચીત પણ કરવા દેતી ન હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ૧૪ માર્ચની રાત્રે અંકેશે પ્રિયંકાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રિયંકા મારી સાથે વાત કરતી નથી અને તે બેહોશ થઈ ગઈ છે.
કદાચ તેણે આત્મહત્યા કરી લીધી છે.’ જ્યારે પરિવારના સભ્યો ઉપર ગયા ત્યારે પ્રિયંકા બેભાન અવસ્થામાં હતી. પછી તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં આત્મહત્યા જેવું લાગતું હતું, જાેકે ગુરુવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રેમીની કરતૂત સામે આવી ગઈ છે. રિપોર્ટ મુજબ અંકેશે મોબાઈલ ચાર્જરના વાયરથી પ્રિયંકાનું ગળું દબાવતા તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યા મામલે અંકેશની કડકાઈ સાથે પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબુલી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગ કરાયેલ વાયર અને એક્સટેન્શન બોર્ડને પણ જપ્ત કર્યું છે. આરોપી વિરુદ્ધ હત્યા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

