National

તેલંગાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર; ૧૧ ફેબ્રુઆરીએ મતદાન, ૧૩ ફેબ્રુઆરીએ પરિણામો

રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યભરમાં ૧૧૬ નગરપાલિકાઓ અને સાત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કુલ ૫૨.૪૩ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાયક છે. રાજ્ય ચૂંટણી કમિશનર આઈ. રાની કુમુદિની દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, ૨૮ જાન્યુઆરીએ ચૂંટણી સૂચના જારી કરીને અને નામાંકન પ્રાપ્ત કરીને ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી રિટર્નિંગ અધિકારીઓ દ્વારા નામાંકન સ્વીકારવામાં આવશે.

નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ ૩૦ જાન્યુઆરી છે, જ્યારે નામાંકનની ચકાસણી ૩૧ જાન્યુઆરીએ થશે. ચકાસણી પછી માન્ય રીતે નામાંકિત ઉમેદવારોની યાદીનું પ્રકાશન પણ તે જ દિવસે કરવામાં આવશે. ઉમેદવારો ૧ ફેબ્રુઆરીએ નામાંકન અસ્વીકાર સામે અપીલ દાખલ કરી શકે છે, અને અપીલનો નિકાલ ૨ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૩ ફેબ્રુઆરી છે, અને ચૂંટણી લડતા ઉમેદવારોની અંતિમ યાદી તે જ દિવસે બપોરે ૩ વાગ્યા પછી પ્રકાશિત કરવામાં આવશે.

૧૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. જાે ફરીથી મતદાન થશે તો ૧૨ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મતગણતરી પૂર્ણ થયા પછી તરત જ પરિણામો જાહેર કરવામાં આવશે. પંચે ચૂંટણી અધિકારીઓને મતદાન સુચારુ રીતે થાય અને ચૂંટણી સમયપત્રકનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.