National

કેરળના SAI હોસ્ટેલમાં બે મહિલા એથ્લેટ્સ લટકતી મળી

કેરળના કોલ્લમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) હોસ્ટેલમાં ગુરુવારે બે સગીર સ્પોર્ટ્સ ટ્રેઇનીના મૃતદેહ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીનીઓ સ્પોર્ટ્સ કોચિંગ લઈ રહી હતી અને હોસ્ટેલમાં જ રહેતી હતી. મૃત છોકરીઓની ઓળખ કોઝિકોડ જિલ્લાની સેન્ડ્રા (17) અને તિરુવનંતપુરમ જિલ્લાની વૈષ્ણવી (15) તરીકે થઈ છે.

સેન્ડ્રા એથ્લેટિક્સની ટ્રેઇની હતી અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, જ્યારે વૈષ્ણવી કબડ્ડી ખેલાડી હતી અને ધોરણ 10ની વિદ્યાર્થીની હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ઘટના ગુરુવારે સવારે લગભગ પાંચ વાગ્યે સામે આવી, જ્યારે હોસ્ટેલના અન્ય સાથી ટ્રેઇની સ્પોર્ટ્સ પ્લેયર્સે જોયું કે બંને છોકરીઓ સવારના ટ્રેનિંગ સેશનમાં આવી ન હતી. દરવાજો વારંવાર ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળ્યો, તો હોસ્ટેલ અધિકારીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો.

ત્યાં બંને છોકરીઓ પંખાથી લટકતી મળી. પોલીસ અનુસાર, વૈષ્ણવી અલગ રૂમમાં રહેતી હતી, પરંતુ બુધવારે રાત્રે તે સેન્ડ્રાના રૂમમાં સૂવા આવી હતી. હોસ્ટેલની અન્ય છોકરીઓએ વહેલી સવારે બંનેને જોઈ પણ હતી. હજુ સુધી મોતનું કારણ જાણી શકાયું નથી અને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.