મુંબઈ
આજે બોલિવૂડનાં ટોચનાં સુપરસ્ટાર્સમાં સલમાન ખાનનો સમાવેશ થાય છે અને નિર્માતાઓ પાસેથી કરોડોની ફી વસૂલે છે. પણ શું તમે જાણો છો કે તેને પોતાની પ્રથમ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે કેટલાં પૈસા મળ્યા હતા? ફિલ્મમાં સીમાની ભુમિકા ભજવનાર અભિનેત્રી પરવીન દસ્તુરે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં વટાણા વેરી નાંખ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “સલમાનને રૂ. ૩૧,૦૦૦ આપવામાં આવ્યા હતા અને તેને રૂ. ૨૫,૦૦૦ મળ્યા હતા. પણ સૌથી વધુ રૂ.૧.૫ લાખ અભિનેત્રી ભાગ્યશ્રીને મળ્યા હતા. ફિલ્મનાં અન્ય કલાકારોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે બધાંને નવાઇ લાગી હતી. પરવીને કહ્યું કે, “ફિલ્મનાં નિર્માતા રાજશ્રી પ્રોડક્શન્સ કલાકારોને બહુ પૈસા ન આપવા માટે જાણીતું છે, પણ તે પોતાનાં કલાકારોને ઘરે ચેક પહોંચાડતું હતું અને ક્યારેય પૈસાની ઉઘરાણી નહોતી કરવી પડતી. એવા ઉદ્યોગમાં જ્યાં નિર્માતાઓ કલાકારોનાં પૈસા ચૂકવવામાં ઠાગાઠૈયાં કરે છે ત્યાં બડજાત્યા કોઇની સાથે છેતરપિંડી ન કરે એવી બધાંને ખાતરી રહેતી હતી.” તેણે જણાવ્યું કે, ફિલ્મનો સેટ અપ હંમેશા સ્વચ્છ રહેતો, મેક રૂપ રાખવામાં વતો હતો, સારું ફુડ પીરસવામાં આવતું હતું અને જે જાેઇએ તે બધું મળી જતું હતું. ૧૯૮૯માં રિલીઝ થયેલી ‘મૈંને પ્યાર કિયા’ એ વર્ષની સૌથી મોટી હીટ હતી અને તેનાથી સલમાન ખાનની કરિયર લોંચ થઈ હતી. ફિલ્મની અભૂતપુર્વ સફળતાએ સલમાનને સુપરસ્ટાર બનાવી દીધો હતો. એક મુલાકાતમાં સલમાન ખાને જણાવ્યું હતું કે મૈંને પ્યાર કિયા માટે તેને રૂ. ૩૧,૦૦૦ મળવાના હતા પણ પછી વધારીને ૭૫૦૦૦ કરવામાં આવ્યા હતા. શું તમે જાણો છો કે આ ફિલ્મમાં સલમાનવાળો રોલ બંગાળી અભિનેતા પ્રસન્નજીત ચેટરજીને ઓફર થયો હતો. પણ એ વખતે તેની બંગાળી ફિલ્મ અમરસંગી હીટ જવાથી તેની પાસે ઢગલાબંધ ફિલ્મો હોવાથી ડેટ્સ ફાળવી શકે તેમ નહોતો.
