રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવવાના છે. ત્યારે રાજકોટ શહેરને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટ શહેરમાં આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ શહેરમાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીના આગમન અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ નિવેદન આપ્યું હતું. કલેક્ટરે કહ્યું હતું કે, આખું તંત્ર પુર જોશથી કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી ત્રણ હજાર બસો કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ આપવાના છે. જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એઇમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બની છે. તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં એક સો વીસ કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે.