જ્યાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધાથી અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. એમાં માઇભક્તો વધુમાં વધુ સંઘો લઇ શક્તિપીઠ અંબાજીનાં દર્શને પહોંચે એના પ્રચાર-પ્રસાર માટે શક્તિ અંબિકારથનું આયોજન કરવામાં આવ્યું છે. રથ ગુજરાતનાં તમામ ધાર્મિક સ્થળે જશે.
વધુમાં વધુ સંઘોને જોડવાનો ઉદ્દેશ
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અવારનવાર અનેક નવી પહેલ કરવામાં આવતી હોય છે. આજે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ દ્વારા અંબિકારથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથનો ઉદ્દેશ માઇભક્તો વધુમાં વધુ સંઘો લઇ શક્તિપીઠ અંબાજીનાં દર્શને પહોંચે એ છે. એના માટે આ રથ ગામેગામ જઈ પ્રચાર-પ્રસાર કરશે. આ રથ સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર જઈ અંબાજી મંદિરની વિશેષતાઓ અને સુવિધાઓ સાથે માતાજીનાં દર્શન સુગમતાથી યાત્રિકોને થાય એ માટે પ્રચાર-પ્રસાર કરશે, સાથે અનેક યાત્રાધામ સ્થળોને એકસાથે જોડવાનો પ્રયાસ અંબાજી શક્તિપીઠ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સંઘ અગાઉથી ફોર્મ લઈ રજિસ્ટ્રેશન કરાવી શકશે
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવેલા આ અંબિકારથમાં LED પણ ગોઠવવામાં આવી છે, જેના અંદર અંબાજી મંદિર સહિત ગબ્બર 51 શક્તિપીઠનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવશે, જે ગામેગામ ધાર્મિક સ્થળો પર ઊભો રાખી અંબાજીનો પ્રચાર-પ્રસાર કરશે અને શ્રદ્ધાળુ વધુમાં વધુ સંઘો લઈ અંબાજીએ પહોંચે એ માટેના પ્રયાસો કરશે. આ સાથે માઈભક્તો ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકે એ માટે સંઘ રજિસ્ટ્રેશનના અલાયદા ફોર્મ પણ રથમાં મૂકવામાં આવ્યાં છે. જે સંઘ લઈ અંબાજી આવા માગતા હોય તેમણે અગાઉથી ફોર્મ લઇ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ જશે
જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ તેમજ SDM અને મંદિરના વહીવટદારોએ આ રથને ઝંડી આપી અંબાજીથી પ્રસ્થાન કરાવ્યું છે. રથ પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતનાં વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચશે. રસ્તાનાં ગામડાંમાં પણ પ્રચાર-પ્રસાર કરશે.
આગામી દિવસોમાં અન્ય પાડોશી રાજ્યોમાં પણ મોકલવાનું આયોજન
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જે લોકો કોઈપણ કારણોસર અંબાજી નથી આવી શકતા તેઓ ઘેરબેઠાં દર્શન કરી શકે એવી અલાયદી વ્યવસ્થા પણ રથમાં કરવામાં આવી છે. ભક્તોનો માતા સાથેનો સંબંધ સુદૃઠ બને એ મોટોનો આ એક પ્રયાસ છે. આ રથથી ભક્તો વર્ચ્યુઅલી માનાં દર્શન કરી શકશે. આ અંબિકા શક્તિ રથ પ્રથમ તબક્કે ગુજરાતનું પરિભ્રમણ કરશે અને સમયાનુસાર આગામી દિવસોમાં અન્ય પાડોશી રાજ્યોમાં પણ મોકલવા માટેનું આયોજન કરવામાં આવશે. શરૂઆતમાં ઉમિયા માતા અને બહુચરમાતાનાં મંદિરા જશે, પછી અંબાજી પરત ફરશે. મહત્ત્વની બાબત એ રહી છે કે અંબાજી શક્તિપીઠને અન્ય ધાર્મિક સ્થળો સાથે જોડવાનો પ્રયાસ આ અંબિકારથ દ્વારા કરવામાં આવશે. આ રથની સાથે ભાદરવી પૂર્ણિમા સેવા સંઘ મહામંડળના પદાધિકારીઓ પણ જોડાશે.