મ્યુનિ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એએમટીએસની 10 બસમાં ડ્રાઈવરની કેબિનના ગ્લાસ પર જ કેમેરા લગાવાયા છે. આ કેમેરાથી રોડ પરનાં દબાણ, રોડની સ્થિતિ, કચરો, રખડતાં ઢોર જેવી ફરિયાદો સ્થળ સાથે નોંધીને કંટ્રોલ રૂમમાં વીડિયો મોકલાય છે. મ્યુનિ.ને છેલ્લા 15 દિવસમાં જ એએમટીએસ બસોમાં લગાડાયેલા કેમેરામાંથી મ્યુનિ.ને દબાણ અંગેની 453 ફરિયાદ મળી હતી અને એસ્ટેટ વિભાગે દબાણો દૂર કર્યા હતા. આ સિવાય અન્ય ફરિયાદોમાં પણ કાર્યવાહી કરાઈ હતી.
મ્યુનિ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એ.આઇ. (આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરીને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે હેઠળ શહેરમાં મ્યુનિ.ની 10 બસને અલગ અલગ ઝોનમાં દોડાવાય છે. જેમાં આગળ કેમેરા લગાવવામાં આવેલા કેમેરાથી લેવાયેલા વીડિયો સીધા મ્યુનિ.ના કંટ્રોલ રૂમને મોકલવામાં આવે છે. તેમજ આ વીડિયોમાં એઆઇ મારફતે ચોક્કસ સ્થળે કયા પ્રકારની સમસ્યા છે તે તત્કાલ શોધી કાઢવામાં આવે છે. તેમજ તે અંગેની ફરિયાદ પણ સીસીઆરએસ હેઠળ સીધી નોંધાય છે અને સંબંધિત વિભાગને તે અંગેની જાણ કરવામાં આવે છે.
અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ રોડ પર ગેરકાયદે દબાણોની છે. મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવેલા આ એએમટીએસ દ્વારા લેવાતાં વીડિયોમાં હાલ પ્રાથમિક તબક્કે માત્ર 10 બસોમાં જ કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં મોટી સંખ્યામાં મ્યુનિ.ને ફરિયાદો મળી છે. જોકે આ પ્રકારે આવતી ફરિયાદમાં વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી તત્કાલ આ સમસ્યાઓ દુર કરવામાં આવે છે.