ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અને અગ્રણી વેપારી અરૂણભાઈ હેમરાજભાઈ મજીઠીયાનું તાજેતરમાં દુઃખદ અવસાન થતા ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ધાર્મિક સ્વભાવના તેમજ સૌ કોઈને સાથે લઈને ચાલવાવાળા અરૂણભાઈ મજીઠીયા ફક્ત ખંભાળિયા પંથકમાં જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં એક નિષ્ઠાવાન સેવાભાવી તરીકેની ઉજળી છબી ધરાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી તરીકે તેઓએ સક્રિય રીતે કાર્યરત રહી અને જ્ઞાતિ ઉત્કર્ષ તેમજ સેવા સંસ્થાના વિકાસ માટે તેમને અમૂલ્ય સહયોગ આપ્યો હતો. તેમના નિધનથી ફક્ત ખંભાળિયા તેમજ રઘુવંશી જ્ઞાતિને જ નહીં, પરંતુ વિવિધક્ષેત્રે સમાજને ક્યારેય પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમ જણાવી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ અરુણભાઈ મજીઠીયાને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.