રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા આયોજન સમિતિના 15 સભ્યોની ચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ ચૂંટણી ઓથોરિટી જિલ્લા આયોજન સમિતિ એવા રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આ ચૂંટણી માટે ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, રાજકોટને તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે (જાહેર રજા સિવાયના) નામાંકન પત્રો કોઈ પણ દિવસે સવારે 11થી 15 કલાકની તા. 13 માર્ચ સુધીમાં રજુ કરવાના રહેશે. નામાંકન પત્રના નમૂના રજૂ કરવાના સ્થળ પરથી મેળવી શકાશે. નામાંકન પત્રોની ચકાસણી તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે તા. 14 માર્ચના 11 કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ તા. 18 માર્ચના બપોરે 15 વાગ્યા પહેલા કચેરી ખાતે અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે (નોટિસ) પહોંચાડવા માટે લેખિતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે. તા. 19 માર્ચના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની થાય તો તા. 30 માર્ચના સવારે 10થી 13 કલાક સુધીમાં મતદાન યોજાશે. જેની તા. 31 માર્ચના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનો રદ્દ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ ગોરઘુમા સ્ટેશન પર DFCCIL લાઇન સાથે કનેક્ટિવિટી સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. 29 ફેબ્રુઆરીના રોજ રદ કરાયેલી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જ્યારે 1 માર્ચના ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
ડઝનથી વધુ ગુટલીબાજ કર્મચારીઓ ઝડપાયા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આજે અધિક કલેકટર ચેતન ગાંધીએ એકાએક કલેકટર કચેરીની તમામ શાખાઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા ડઝનેક ગુટલીબાજ કર્મચારીઓ ઝપટે ચડી ગયા હતા. અધિક કલેકટર ગાંધી આજે ઉઘડતી કચેરીએ જ કચેરીની પુરવઠા, આયોજન, જમીન સંપાદન, મધ્યાહન ભોજન યોજના, ખાણ-ખનિજ શાખા, સહિતની શાખાઓમાં પહોંચ્યા હતા અને કર્મચારીઓના હાજરીપત્રક (મસ્ટર)ની ચકાસણી કરી હતી. જેમાં કલેકટર કચેરીની વિવિધ 7 જેટલી આ શાખાઓના કર્મચારીઓના મસ્ટરની કરાયેલી ચકાસણી દરમિયાન ડઝન જેટલા કર્મચારીઓની ગેરહાજરી હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત કલેકટર કચેરીની સાતેય શાખાઓના મસ્ટર કબ્જે કરી પોતાની ચેમ્બરમાં જ કર્મચારીઓને હવે હાજરી પુરવા અલ્ટીમેટમ આપ્યુ હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર કચેરીનો ખુલવાનો સમય સવારના 10.30 કલાકનો છે. પરંતુ કેટલાક કર્મચારીઓ 10.45 કે 11 વાગ્યા સુધી પણ હાજર થતા ન હોવાનું ખુલ્યું હતું. જે બાદ અધિક કલેકટરે આજે ઉઘડતી કચેરીએ જ તમામ શાખાઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરી સપાટો બોલાવી દીધો હતો. જેમાં ખાણ-ખનીજ વિભાગના ત્રણ જેટલા કર્મચારીઓ પણ ગેરહાજર રહ્યાનું ખુલતા આ શાખાના વડાને પણ રૂબરૂ બોલાવી કર્મચારીઓની ગેરહાજરીના મામલે તેઓનો ખુલાસો પુછવામાં આવેલ હતો. અધિક કલેકટરે આજે કલેકટર કચેરીની તમામ શાખાઓના કરેલા સરપ્રાઈઝ ચેકિંગ બાદ પુરવઠા અધિકારી વાઘવાણીને પોતાની ચેમ્બરમાં બોલાવી ખખડાવી નાખ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. કલેકટર કચેરીમાં ચર્ચા મુજબ પુરવઠા અધિકારીએ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હેલીકોપ્ટર અને હવાઈ જહાજના ક્રુ મેમ્બરોને ભોજન આપવામાં પણ ભગો કર્યાની ફરીયાદો ઉઠવા પામી હતી.
1 માર્ચથી 1 એપ્રિલ સુધી સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ
રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારો તેમજ રેલીઓ/ ધરણાઓના કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃતિઓને ધ્યાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે પરવાનગી વગર જાહેર જગ્યા ખાતે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા બોલાવવા કે ભરવા ઉપર અને સરઘસ કાઢવા ઉપર રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધ જાહેર કર્યો છે. આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં તા. 1 માર્ચથી 1 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહીં. હુકમનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર છે.

