ખંભાળિયા તાલુકાના દાતા ગામના રહીશ એક યુવાનને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર એવા ઉપસરપંચે ગ્રામ પંચાયતનું ઉપસરપંચ પદ આપી, પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી હતી.
ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા દાતા ગામના મૂળ રહીશ અને અનેકવિધ સેવાકીય તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી રાજુભાઈ ભીમાભાઈ ભરવાડના વર્ષો જૂના લંગોટિયા મિત્ર જસવંતસિંહ બળવંતસિંહ જાડેજા સાથે હંમેશા સુખ-દુઃખમાં સાથે રહી અને કોઈપણ અપેક્ષા વગર નિષ્ઠાપૂર્વક મિત્રતાનો ધર્મ એકબીજા નિભાવતા હતા.

છેલ્લા આશરે અઢી વર્ષથી દાતા ગામના ઉપસરપંચ એવા રાજુભાઈ સરસિયાએ હૃદયની લાગણી સાથે જોડાયેલા ગ્રામ પંચાયતના સભ્ય એવા તેમના અડીખમ મિત્ર જશવંતસિંહ જાડેજાના ગઈકાલે બુધવારે જન્મદિવસ નિમિત્તે ઋણાનુબંધના ભાવથી પોતાની દાતા ગામના ઉપસરપંચ તરીકેની જવાબદારી સ્વૈચ્છિક રીતે અને સર્વ સંમતિથી જશવંતસિંહ જાડેજાને અર્પણ કરી હતી. મિત્રને તેના જન્મદિવસ નિમિત્તે મિત્ર દ્વારા આપવામાં આવેલી આ અનોખી ભેટ પ્રેરણારૂપ બની રહી છે.

