સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી હાઈવેની સાઇટમાં નવો રોડની કામગીરી આરંભી હોય તેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
રોડ પર બોર્ડ, હોલ્ડિંગ તેમજ છાપરાને જેસીબી મશીન સહિતના સાધનો દ્વારા હટાવી લેવાની કામગીરી હાથ ધરી હતી. તે ઉપરાંત અમુક હાઈવે પર દબાણકર્તાઓ સાથે અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવતા હાઇવે પરના ધંધાર્થીઓએ રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા, છતાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે ચોટીલાના આગેવાન હરેશભાઇ ચૌહાણે આક્રોશ સાથે જણાવ્યું કે, ચોટીલા હાઈવે પર લોકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ લોકો સ્વૈચ્છાએ દબાણ દૂર કર્યા હતા. છતાં તંત્ર દ્વારા નાના દુકાનદારો સામે વ્હાલા દવાલાની નીતિ રાખી નુકશાન કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલાંક દબાણકર્તાઓને માત્ર સૂચના આપી દબાણ હટાવવાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર આઇએએસ કલ્પેશ શર્માએ જણાવ્યું કે, ચોટીલામાં હું નવો આવ્યો છુ. અને કંઈ હોટલ ક્યાં આવી છે એની મને કોઈ ખબર નથી. પણ ચોટીલા હાઈવે પર દબાણ હટાવવવાની કામગીરીમાં કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.


