Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જિલ્લામાં ધો. 10ના 8507, ધો. 12ના કુલ 4,848 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં અંગે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને અહીંની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ પરીક્ષાના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 11 થી 26 માર્ચ દરમ્યાન ધો. 10 અને 12 ના બોર્ડની પરીક્ષા યોજાશે. ત્યારે જિલ્લામાં ધો. 10 નાં 34 બિલ્ડીંગના 297 બ્લોકમાં 8507 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહની 19 બિલ્ડીંગના 151 બ્લોકમાં 4420 વિદ્યાર્થીઓ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 3 બિલ્ડીંગના 23 બ્લોકમાં 428 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આગામી સમયમાં યોજાનારી બોર્ડની આ પરીક્ષાઓમાં જિલ્લાના વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેમજ સમયસર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પહોંચી જાય તે અંગે આયોજન કરવા તેમજ પરીક્ષા કેન્દ્રો પર તમામ સીસીટીવી કેમેરાની ચકાસણી, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા તથા જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત એસટી વિભાગ દ્વારા તમામ રૂટ પર પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે અંગે વ્યવસ્થા તેમજ પીજીવીસીએલ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.