લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ પાસે સાંકડા રસ્તે બાઈકને ટક્કર મારી એસટીની બે બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક સહિત બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. બન્ને બસમાં 79 મુસાફરો સવાર હતા. ઘાયલોને લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યા હતા.
લીંબડી શહેર નજીકથી પસાર થતા 6 લાઈન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ સામે દોઢેક વર્ષથી ડાયવર્ઝન આપી નાળુ અને રોડ બનાવવાનું કામ શરૂ છે. જેના કારણે સર્કિટ હાઉસ સામે રોડ સાંકડો થઈ જાય છે. લીંબડીના નટવરગઢ ગામનો જયપાલ રાયમલભાઈ સર્કિટ હાઉસ સામે બાઈક લઈ જઈ રહ્યો હતો. તે સમયે રાજકોટથી અમદાવાદ જતી એસટીની વોલ્વો બસ ત્યાંથી પસાર થઈ હતી. બાઈકને ટક્કર મારી વોલ્વો સામેથી આવતી દાહોદ-ધ્રોલ એસટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા બન્ને એસટી બસમાં મુસાફરી કરી રહેલા 79 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં પીએસઆઈ બી.કે.મારૂડા, ચંદુભાઈ બાવળિયા, પુષ્પરાજસિંહ રાણા, હરૂભા ઝાલા સહિતના બનાવના સ્થળે દોડી આવ્યા હતા.

