Gujarat

​​​​​સુરત પાલિકા સંચાલિત 20માં આધાર કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને 1 મિનિટમાં આધાર નોંધણી કરી શકાશે

સુરતીઓને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે પાલિકાએ આજે 20માં આધારકાર્ડ કેન્દ્રનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતીઓને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

શહેરમાં કુલ 20 કેન્દ્ર શરૂ થયા

સુરત સહિત દેશમાં છેલ્લા 10 વર્ષથી લોકોના ઓળખ પુરાવા માટે આધારકાર્ડ મહત્વ વધુ છે. સરકારની કોઈ પણ યોજના માટે આધારકાર્ડ મહત્વનો અને જરૂરી પુરાવો બની ગયો છે. સુરતીઓ પાસે જુના આધાર કાર્ડ છે, તેને અપડેટ કરવા તથા નવા કાર્ડ કઢાવવા માટે અત્યાર સુધી સુરતમાં 19 આધારકાર્ડ કેન્દ્ર છે. તેમ છતાં લોકોને તેમના ઘર નજીક આ સુવિધા મળે તે માટે પાલિકા આયોજન કરી રહી છે. હાલમાં સુરત પાલિકાએ જિલ્લા સેવા સદન સામે 20માં આધાર કાર્ડ કેન્દ્ર મેયર દક્ષેશ માવાણી હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આધુનિક ટેકનોલોજીથી કામ ઝડપથી થશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત 20મું નવું આધાર કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ રહીશોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન 60 નવી આધારનોંધણી કીટ ખરીદી કરવામાં આવી છે. વધુમાં UIDAI, ગાંધીનગર સાથે સંકલન કરી નવી વધારાની 21 આધારનોંધણી કીટ્સ મેળવવમાં આવેલ છે. આમ, હાલ કુલ 81 આધાર નોંધણી કીટ સુરત પાલિકા પાસે છે. પાલિકા સંચાલિત કુલ 20 આધાર કેન્દ્રો પર ટોકન વગર રહીશોના આધારકાર્ડને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી અદ્યતન કીટ પર 1 મિનિટમાં આધારનોંધણી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકા તંત્ર જણાવી રહી છે.