સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવનના નિર્માણ અંગે કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું તે ભગવાન રામનું નોતરું નહીં પણ દેશવાસીઓની ભાવનાને ઠોકર મારી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, અમે તો સ્વીકારીએ છીએ કે, સરદાર વલ્લભભાઇ પટેલ શુદ્ધ કોંગ્રેસી હતા. પરંતુ વડાપ્રધાને સરદારના વ્યક્તિત્ને છાજે તેવી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હોય તેવી સેલ્ફી પણ જોવા મળી નથી. ભાજપના લોકસભાના ઉમેદવારના આ નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
દેશની ભાવનાઓને ઠોકર મારી છે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવામાં આવતો હતો કે, ચૂંટણી આવે ત્યારે જ રામ મંદિરની વાતો કરે છે. હળવી શૈલીમાં કહ્યું કે, ‘રામલલ્લા આયેંગે, મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે’. આવું અમે ખૂબ સાંભળ્યું પરંતુ બાદમાં તારીખ આવી, રામમંદિર પણ બની ગયું, આમંત્રણ પણ મોકલ્યું પણ કરમની કઠણાઇવાળા આવ્યા નહીં. તેમણે રામમંદિરનું આમંત્રણ નથી ઠુકરાવ્યું પરંતુ આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે તે દેશવાસીઓ જોઇ રહ્યા છે.

