અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌપ્રથમવાર બોનસાઈ અને ટોપીઆરી શો તેમજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 માર્ચથી 10 માર્ચ સુધી સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્ક નજીક બોનસાઈ શો યોજવામાં આવ્યો હતો. જેમાં એક વર્ષથી લઇ 150 વર્ષ વધુ જુના ઝાડ-રોપા જોવા મળ્યા હતા. સાત દિવસ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં 8000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનને તેનાથી અંદાજિત 15 લાખ જેવી આવક થઈ હોવાનો અંદાજ છે.
ફૂડ ફેસ્ટિવલમાં 10,000 લોકો ભાગ લીધો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8 માર્ચથી 10 માર્ચ સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં અંદાજિત 10,000 જેટલા લોકોએ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસે મહાશિવરાત્રી હોવાના કારણે લોકો ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા નહોતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 1000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. બીજા દિવસે અંદાજિત 4000 જેટલા લોકો આવ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી તેમાં અંદાજિત 5000 હજાર લોકો આવે તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફૂડ ફેસ્ટિવલ માણવા માટે તે ખૂબ ઓછી સંખ્યામાં લોકો આવ્યા હતા. જનરલ પેવેલિયનમાં લોકો વધારે આવ્યા હતા રોયલ અને અન્ય પેવેલિયનમાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો આવ્યા હતા.

