Gujarat

બારડોલી કેનાલ રોડ પાસે કચરાનો ઉકરડો હટાવવામાં પાલિકા નિષ્ફળ

બારડોલી નગરનો તેન નહેરનો લીંકરોડ, પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પછી પણ માર્ગને અધતન બનાવવામાં નિષ્ફળતા જ મળી રહી છે. કેનાલના અલંકાર સિનેમા નાકા નજીક સીસી માર્ગ પર દીવાલ સાથે નગરજનો મોટી માત્રામાં કચરો નાંખીને ઉકરડો બનાવ્યો છે, છતાં પાલિકાના જવાબદારો આ હકીકતથી અજાણ લાગે છે.

છેલ્લા બે માસથી અહી કચરો જોવા મળી રહ્યો છે. 4 કરોડથી વધુના ખર્ચે તેન નહેરની બંને તરફનો રસ્તો ડીવાઈડર, અને વોલ સહિતની કામગીરી કરવામાં આવી હોવા છતાં અદ્યતન બનાવવામાં પાલિકાના પદાધિકારી અને અધિકારી સતત નિષ્ફળ થઈ રહ્યા છે.

જેનો ઇતિહાસ નગરજનો પરિચિત છે. હાલ તેન ગામની તરફ કેનાલના એક ભાગમાં કમ્પાઉન્ડ વોલ બનાવી છે. અલંકાર સિનેમા છેડે દીવાલને અડીને અહી દુનિયાભરનો કચરો નખવામાં આવી રહ્યો હોવા છતાં, પાલિકા અટકાવવામાં તો નિષ્ફળ સાબિત થયા છે, પણ ઉઠાવવામાં પણ આળસ કરી રહ્યા છે.

બારડોલી ધારાસભ્યનું ડ્રીમ એવા રસ્તાને જો પાલિકા વિકસાવવામાં અસમર્થ સાબિત થતી હોય, તો, અન્ય અપેક્ષા રાખવી કેટલી યોગ્ય ? પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સૂચના મળે પહેલા કચરાને ઉઠાવી માર્ગને ચોખ્ખો કરવામાં આવે એ જરૂરી છે. જેમાં પાલિકાના નિષ્ક્રિયતાને ભોગે લોક સુવિધા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.