વિશેલવિન ફાઉન્ડેશન દ્વારા ચોથા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં 80થી વધુ વ્યક્તિઓના અસાધારણ સમર્પણ અને કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓના નિઃસ્વાર્થ યોગદાનની ઉજવણી કરે છે.
પ્રતિષ્ઠિત સન્માન સમારોહ
વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડરજ્જુ એવા વ્યાવસાયિકો અને સમર્થક તરીકે ડોકટરો, મનોચિકિત્સકો, ન્યુરોલોજીસ્ટ, થેરાપિસ્ટ, વિશેષ શિક્ષકો વગેરેનો સમાવેશ થાય છે. તેમના અથાક પ્રયાસો વિશેષ જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે.
વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન
ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહ મેજર નીતિન મહેતાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે. જેઓ 1964માં એક પ્રતિષ્ઠિત વોર વેટરન કમિશન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ઉપરાંત તેઓએ 1965 અને 1971ના યુદ્ધમાં પણ પોતાની આગવી સેવા આપી હતી. મેજર નીતિન મહેતાને તેમની કુશળ પત્ની, યશોમતી મહેતાજી દ્વારા હમેશા સકારાત્મક ટેકો મળ્યો હતો. યશોમતી મહેતા એક વકીલ અને થિયેટર કલાકાર છે. મેજર નીતિન મહેતા અને યશોમતી મહેતા ભારતીય સેનામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા ત્રણ પુત્રોના ગૌરવપૂર્ણ માતાપિતા છે.

વિશેલવિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પુનમ જી કૌશિક જણાવે છે કે, “ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સ આપણા સમુદાયમાં સમાવેશ અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના સામૂહિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. દરેક એવોર્ડ મેળવનાર એન્જલ કરુણા અને સમર્પણની ભાવનાને મૂર્તિમંત કરે છે, જે આપણને બધાને પ્રેરણા આપે છે.”


