Gujarat

ગુરગઢ દરગાહના બે મુંજાવરોની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાણ-નવાગામ નજીક ગાગા ગુરગઢ દરગાહમાં બે મુંજાવર દ્વારા 25 વર્ષથી ચાલતી દોરા-ધાગા, ભભૂતી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાની ધતિંગ લીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલ્યાણપુર પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.જે બંનેએ કબુલાતનામુ આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગીલીધી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ અને નવાગામ પાસે ભારત જનવિજ્ઞાન જાથાની ટૂકડી સ્થાનિક પોલીસની મદદ મેળવી આવી પહોંચી હતી. તેના અગ્રણી જયંત પંડયાના વડપણ હેઠળ બે દાયકાથી વધુ સમયથી દરગાહમાં ચાલતું ધતીંગ બંધ કરાવાયું હતું.

ત્યાં દરગાહમાં હાજીબાપુ સદરબાપુ અને બશીરબાપુ નામના વ્યક્તિ દર શુક્રવારે જોવાનો વારો રાખી અમુકને પશુબલી કરવી પડશે,ન્યાઝના નામે 10 હજારથી 50 હજાર સુધીનો ખર્ચ કરાવે છે,પિડિત લોકોની આર્થિક સ્થિતિ પ્રમાણે પૈસા પડાવતા હોવાની ફરીયાદ વિજ્ઞાન જાથા સુધી પહોચી હતી. જેમાં ડાયાબિટીસ, પથરી જેવા રોગ મટાડવા માટે પાણીની બોટલમાં ફુંક મારવી તેમજ પીડિતોને દોરા, ધાગા, તાવીજ, દાણા અપાતા હોવાની વિગત મળી હતી.

ઉપરોકત સ્થળે આવી પહોચેલી વિજ્ઞાન જાથાની ટીમે બંનેના ધતિંગને ખુલ્લા પાડી લાલ કે લીલો દોરો આપી અજાણ વ્યક્તિઓને ભોળવતા બંનેની લીલા પોલીસને સાથે રાખી વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે અને બંનેને કલ્યાણપુર પોલીસ મથકે લઈ જઈ હવે આ પ્રકારના ધતીંગ નહીં કરીએ તેવી કબૂલાત પણ કરાવાઈ છે.