International

યુનાઇટેડ કિંગડમ મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે વધારાના £૧૧૭ મિલિયન ખર્ચ કરશે

રમઝાન મહિનાની શરૂઆતમાં બ્રિટિશ સરકારે દેશના મુસ્લિમોને મોટી ભેટ આપી છે. બ્રિટનમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા અને મુસ્લિમ નફરત સામે રક્ષણ આપવા માટે સરકારે પોતાની તિજાેરી ખોલી છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ કિંગડમ મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે વધારાના ૧૧૭ મિલિયન પાઉન્ડ (ઇં૧૫૦ મિલિયન) ખર્ચ કરશે. રમઝાન મહિનો શરૂ થતાંની સાથે જ જાહેર કરાયેલા નવા ભંડોળનો ઉપયોગ મસ્જિદો, મુસ્લિમ શાળાઓ અને અન્ય મુસ્લિમ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા, એલાર્મ અને ફેન્સીંગ લગાવવા માટે કરવામાં આવશે.

ગાઝા યુદ્ધ બાદ બ્રિટનમાં મુસ્લિમો વિરુદ્ધ નફરતના મામલામાં વધારો થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં ૪૦ લાખ મુસ્લિમો રહે છે. મુસ્લિમ નફરત પર નજર રાખતા જૂથ મામાએ તેના સંશોધનમાં જાણવા મળ્યું છે કે મુસ્લિમો પર ઓનલાઈન હુમલા, શારીરિક હુમલા અને અન્ય હુમલાઓમાં ૩૩૫ ટકાનો વધારો થયો છે.

બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા સમાજમાં મુસ્લિમ વિરોધી નફરત માટે કોઈ સ્થાન નથી, અને અમે મધ્ય પૂર્વમાં ઘટનાઓના નામે બ્રિટિશ મુસ્લિમો વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા દઈશું નહીં.” તેમણે એમ પણ કહ્યું કે અમારા વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે અમે બ્રિટનના મુસ્લિમોની સાથે ઊભા છીએ. અમે આ ફંડ એવા સમયે બહાર પાડ્યું છે જ્યારે તેની સૌથી વધુ જરૂર છે, આ પગલું દર્શાવે છે કે બ્રિટિશ સરકાર મુસ્લિમોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

તાજેતરમાં કન્ઝર્વેટિવ ધારાસભ્ય લી એન્ડરસને લંડનના મેયર સાદિક ખાન અને લેબર લીડર કીર સ્ટારમાર્કને ઈસ્લામવાદીઓ દ્વારા નિયંત્રિત ગણાવ્યા હતા. જે બાદ સમગ્ર બ્રિટનમાં તેનો વિરોધ થયો હતો. જાેકે પીએમ સુનાકે એન્ડરસનની ટિપ્પણીઓને “અસ્વીકાર્ય” ગણાવી હતી અને તેને સસ્પેન્ડ કર્યો હતો, તેમના ટીકાકારો કહે છે કે વડા પ્રધાને ખાસ કરીને ઇસ્લામોફોબિક ટિપ્પણીઓની નિંદા કરી નથી. આ સિવાય માનવાધિકાર સંગઠનો અને મુસ્લિમ સંગઠનો પણ ગાઝા યુદ્ધને લઈને સુનાકના વલણ પર સરકારને ઘેરી રહ્યા છે.