Gujarat

રાજ્યમાં ત્રણ વર્ષમાં ખનીજ ચોરીના 26 હજાર કેસ રૂ. 600 કરોડની ખનીજ ચોરી

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરીના 26,095 કેસ નોંધાયા છે. તાજેતરમાં સમાપ્ત થયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ, 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં 596.92 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ છે. સૌથી વધુ કચ્છમાં 122 કરોડની ખનીજ ચોરી પકડાઇ હતી.

આ ત્રણ વર્ષ દરમિયાન રાજ્યના 8 જિલ્લામાં પકડાયેલ ખનીજ ચોરીની કિંમત 20 કરોડથી વધુ(દરેક જિલ્લામાં) હતી. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, છોટા-ઉદેપુર, સુરત, વડોદરા, ભરૂચ, બનાસકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષ દરમિયાન ખનીજ ચોરીના કેસ અને ખનીજ ચોરીની કિંમત વધતી રહી છે. 2020-21માં ખનીજ ચોરીના 6866 કેસ હતા, જ્યારે 168 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ હતી. 2021-22માં તે વધીને 8737 કેસ અને 178 કરોડ રૂપિયા થયા હતા. 2022-23માં 10,492 કેસ અને 249 કરોડ રૂપિયાની ખનીજ ચોરી પકડાઇ હતી.

26 હજાર સામે માત્ર 260 કેસમાં પોલીસ ફરિયાદ

3 વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ 26,095 કેસમાંથી માત્ર 260માં જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કચ્છમાં સૌથી વધુ 37 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ દરમિયાન 7 હજાર ઓવરલોડ ખનિજ વાહનોની ટ્રીપ પકડાઇ હતી અને તેમની પાસેથી દંડ વસૂલાયો હતો. રાજ્યમાં મુખ્ય અને ગૌણ ખનીજ લીઝ મળીને કુલ 690 ખનીજ લીઝ કાર્યરત છે. આરોપીઓને કારણદર્શક નોટીસ આપી દંડ વસૂલાય છે. પોલીસ અને કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવે છે.

આ પ્રત્યેક જિલ્લામાં 20 કરોડથી વધુની ખનીજ ચોરી કરવામાં આવે છે

જિલ્લો નોંધાયેલ કેસ ખનીજ ચોરી કિંમત

કચ્છ 1840 122.01 કરોડ

સુરેન્દ્રનગર 1453 86.80 કરોડ

છોટા-ઉદેપુર 1647 38.43 કરોડ

સુરત 1099 30.90 કરોડ

વડોદરા 1367 27.54 કરોડ

ભરૂચ 788 21.65 કરોડ

બનાસકાંઠા 1273 20.74 કરોડ

પાટણ 914 20.55 કરોડ

અન્ય 15,714 228.27 કરોડ

કુલ 26,095 596.92 કરોડ

(2020-21થી 2022-23ના આંકડા રૂપિયામાં)