રીલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી આજે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. જગતમંદિરમાં વારાદાર પૂજારી દ્વારા નીતાબેનને દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું. ત્યાર બાદ ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઘરનો પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થતા ભગવાનનો ધન્યવાદ કરવા દ્વારકા આવ્યા હતા.
શારદામઠમાં ચાલતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી
રીલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી ઠાકોરજીના આશીર્વાદ મેળવવા દ્વારકા પહોંચ્યા હતા. જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન બાદ નીતાબેન શારદામઠમાં ચાલતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી. વ્યાસસ્થાનેથી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થતાં આભાર વ્યક્ત કરવા દ્વારકા આવ્યાં
હાલ થોડા દિવસ અગાઉ રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંતની પ્રી વેડિંગ સેરેમની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ સુચારૂરૂપે ઉજવાઈ જતા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝુકાવવા આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર તેમના ઘરનો પ્રસંગ ખૂબ જ સારી રીતે પૂર્ણ થતા ભગવાનનો ધન્યવાદ કરવા તેઓ દ્વારકા આવ્યા હતા.
થોડા દિવસ અગાઉ મુકેશ અંબાણી પણ દ્વારકા આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, દસ દિવસ પહેલાં રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા મુકેશ અંબાણી પણ ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે પહોંચ્યા હતા. તેમના માટે લાલ કાર્પેટ પાથરવામાં આવી હતી. તેમણે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ ધરવામાં આવ્યો હતો.
મુકેશ અંબાણીએ જામનગરવાસીઓને સ્પેશિયલ થેંક્સ કહ્યું
રિલાયન્સના ગ્રુપના મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે વિશેષતઃ જામનગરવાસીઓને સ્પેશ્યલ થેન્ક્યૂ કહેતા મુકેશ અંબાણીએ કહ્યું કે, જામનગરવાસીઓના સહયોગથી હવે જામનગર ઇન્ટરનેશનલ મેપ પર આવી ગયું છે. આ દ્વારકાધીશના આશીર્વાદ વગર ન થાય. અનંત અને રાધિકાને લોકોના મળેલા આશીર્વાદ બદલ હું અને નીતા તેમજ સમસ્ત અંબાણી પરિવાર તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

