Gujarat

જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજ્યભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટ્યાં

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો બાબતે આંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આજરોજ 15 માર્ચે રાજ્યનાં સેંકડો કર્મચારીઓને નવા સચિવાલય ખાતે સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વ્યક્તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. મોરચા દ્વારા આ માટે આવેદનપત્રની નકલ પણ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2005 થી નેશનલ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવેલ છે. તેમાં પહેલાંની જેમ આજીવન મળતું પેન્શન બંધ કરાયું છે અને નવી સ્કીમમાં જે રકમ મળે છે તે અનિશ્વિત અને ઓછી મળતી હોઈ નિવૃતિ પછી જીવનનિર્વાહ મુશ્કેલ બને છે. આ સાથે સરકારમાં હાલ જ્ઞાન સહાયક, ફિક્સ પગાર, કરાર અધારિત ફિક્સ પે વગેરે મૂળ અસરથી નાબૂદ કરીને પૂરા પગારથી ભરતી કરવાની મુખ્ય માંગ છે જેનો ઉકેલ પણ હજી બાકી છે.
               ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળનાં મહામંત્રી ભરત ચૌધરી દ્વારા તમામ સરકારી કર્મચારી મંડળોને નવા કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી કે 14 માર્ચનો રામધૂનનો કાર્યક્રમ સ્થગિત રખાયો છે અને હવે 15 માર્ચે રાજ્યનાં તમામ કર્મચારીઓ મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના પુન: કરવા અને ફિક્સ પગારની યોજના મૂળ અસરથી નાબુદ કરવા નવા સચિવાલય, ગાંધીનગર ખાતે આવીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા જશે. જેનાં પગલે આજરોજ રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ બેનર અને પ્લે કાર્ડ સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
               નવા સચિવાલય ખાતે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સપ્ટેમ્બર 2022 માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાધાન માટે પાંચ મંત્રીઓની સમિતિ સાથે કર્મચારી મંડળો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વચન યાદ કરાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે ધ્યાને લેવામાં આવી નથી. આજનાં વ્યક્તિગત આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમને તેમણે આખરી અલ્ટીમેટમ ગણાવી વિવિધ સંગઠનનાં હોદ્દેદારો સાથે ધરપકડ વહોરી હતી.
               આ લખાય છે ત્યાં સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. લોકસભાની ચૂંટણી સામે છે તે પૂર્વે સરકાર હકારાત્મક દિશામાં નિર્ણય લેશે એવો આશાવાદ હાલ તો કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.