શહેરના હાર્દ સમા ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાનો સ્થાયી સમિતીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરાયા બાદ સુરસાગર, મ્યુઝીક કોલેજ, લાલ કોર્ટ અને ગાંધીનગર વિસ્તારને હેરીટેઝ સ્ક્વેર તરીકે વિકસાવવામાં આવશે. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને હાલ સયાજીનગર ગૃહની બાજુમાં પતરાંના શેડ બનાવી આપીને વ્યવસ્થા કરી આપવામાં આવશે. પાલિકાના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાના નિર્ણયને વોર્ડ નંબર-14 ના કાઉન્સિલરો અને કાર્યકરોએ આતશબાજી કરીને વધાવ્યો હતો.
ટીમ વડોદરાએ બીડું ઝડપ્યું
રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં વિકાસથી વંચિત રહેલા વડોદરા શહેરનો વિકાસ થાય તે માટે ટીમ વડોદરા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના ન્યાય મંદિર અને ચાર દરવાજા વિસ્તારની હેરીટેઝ તરીકેની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે ટીમ વડોદરાના અગ્રણી અને દંડક બાળક્રૃષ્ણ શુક્લ દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને વિસ્તારને “હેરીટેઝ સ્ક્વેર” બનાવવા માટેનું સૂચન પાલિકાને કરવામાં આવ્યું હતું.

વેપારીઓ સાથે મીટીંગ
પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવા માટે ટીમ વડોદરા દ્વારા શોપિંગ સેન્ટર સ્થિત વેપારીઓ સાથે વાતચીત કરી હતી અને તેઓને વૈકલ્પિક અને કાયમી જગ્યા આપવાની ખાતરી આપી શહેરના વિકાસમાં સહકાર આપવા માટે સમજાવી લેવામાં આવ્યા હતા અને પદ્માવતી શોપિંગ સેન્ટરને જમીન દોસ્ત કરવાની કામગીરીને આગળ ધપાવવામાં આવી હતી.
ફટાકડા ફોડી વધાવ્યો
પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આજે મળેલી સ્થાયી સમિતીની મળેલી બેઠકમાં આ દરખાસ્તને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. સ્થાયી સમિતી દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર મંજૂર કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા વોર્ડ નંબર-14ના કાઉન્સિલરો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને પાલિકાના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.
દુકાનો ફાળવવામાં આવશે
સ્થાયી સમિતી દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર મંજૂર કરવામાં આવેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, શોપિંગ સેન્ટરના વેપારીઓને સયાજીનગર ગૃહની બાજુમાં આવેલા ખૂલ્લા પ્લોટમાં પતરાંના શેડ બનાવી આપવામાં આવશે અને જ્યાં સુધી વુડા પાસેની પાલિકાની જમીનમાં કોર્પોરેશનની બનનારી નવીન કચેરીમાં દુકાનો ફાળવવામાં આવશે.

