Gujarat

વડોદરા કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

વડોદરા કલેકટર કચેરીમાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા 11 (અગિયાર) માસની મુદત માટે ઊભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની 1 જગ્યા માટે નિમણૂંક કરવાની છે. આ અંગે લાયકાત,અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.15.04.24ના રોજ 5 વાગ્યા સુધીમાં ચિટનીશ શાખા, કલેક્ટર કચેરી, ઓ.પી.રોડ,વડોદરા ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનુ સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે. અરજદારની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

ગુજરાતી અથવા હિન્દીનુ પૂરતુ જ્ઞાન હોવું જરૂરી

શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર કાયદાની (LLB સ્પેશિયલ) ડિગ્રી અથવા કેન્દ્ર/રાજ્ય સરકારનાં કાયદા દ્વારા સ્થપાયેલ માન્ય યુનિવર્સિટી દ્વારા HSC બાદ 5 વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની કાયદાની ડિગ્રી અથવા યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-1967માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી ભાષાનુ પૂરતુ જ્ઞાન હોવું જરૂરી છે.

કાયદાકીય બાબતોનો 5 વર્ષનો અનુભવ

હાઇકોર્ટ અથવા હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો 5 વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકનાં બોર્ડ/નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો 5 વર્ષનો અનુભવ. આ અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારે જો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી હોય તો રજીસ્ટ્રાર અથવા જો ઉમેદવાર હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હોય તો પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફિસર અથવા સબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ અથવા કંપની કાયદા/કંપની સરકાર હસ્તકનાં નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કચેરીનાં વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઇએ.

ભાષાંતરનું જ્ઞાન હોવુ જરુરી

ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનુ જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરી શકે તે મુજબનુ જ્ઞાન હોવુ જોઇએ. આ જ્ઞાન હોવા અંગેનુ ઉપર મુજબના અધિકારીઓ દ્વારા ઇશ્યુ કરેલ પ્રમાણપત્ર બિડવાનું રહેશે. મળવાપાત્ર માસિક એકત્રિત રકમ માસિક રૂ.60,000 ફિક્સ રહેશે. આ સિવાયની અન્ય બોલીઓ,શરતો બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીનાં નોટીસ બોર્ડ અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જોઇ શકાશે. સબંધિત ઉમેદવારોને જ્યારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોક્યુમેન્ટ સાથે લાવવાનાં રહેશે અને સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અધૂરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.

રૂ.22 કરોડનું એક દિવસમાં ચૂકવણું
​​​​​​​

રેલ્વેના કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેપો બનાવવા માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર પેટે વડસલા ગામના 18 ખેડૂતોને એક સાથે રૂ.22 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખેડૂતોની સહમતિ સાથે આ માતબર રકમનું વળતર વડોદરા શહેર પ્રાંત અધિકારી અને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા ચૂકતે કરવામાં આવ્યું હતું. ​​​​​​​વડોદરાના પાદરમાં પસાર થઇ રહેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના અનુસંધાને વડસલા ગામ પાસે કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોનકોર) ડેપો બનાવવામાં આવે છે. આ ડેપોના નિર્માણ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

25 ટકા વધુ વળતર આપવાની જાહેરાત કરી

​​​​​​​જમીન સંપાદનમાં જવાના કારણે ખેડૂતોને આર્થિક હિતને નુકસાન ના થાય એ રીતે કાર્યવાહી ઝડપથી કરવા માટે કલેક્ટર બિજલ શાહ અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને વડોદરા શહેર પ્રાંત અધિકારી વી. કે. સાંબડ દ્વારા વડસલા ગામના ખેડૂતો સાથે પરામર્શ કરી વળતર માટે સહમતી સાધવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ માટે 25 ટકા વધારાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી​​​​​​​ તેના પગલે શહેર પ્રાંત કચેરી દ્વારા ત્વરિત ચૂકવણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોને એક સાથે આમંત્રિત કરી તેમના સૂચનો સાંભળવામાં આવ્યા હતા અને 25 ટકા વધારાના વળતર સાથે સંપાદન માટે સહમતી સાધવામાં આવી હતી. આમ, કુલ 18 ખેડૂતોને 8 હેક્ટર જમીન માટે રૂ.22 કરોડ ચૂકવવાના થતાં હતા. સરેરાશ જોઇએ તો એક ખેડૂતોને રૂપિયા 1.22 કરોડ વળતર મળ્યું છે. આટલી માતબર રકમનું વળતર મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. ધારાસભ્ય અક્ષયભાઇ પટેલ, પ્રાંત અધિકારી વી. કે. સાંબડ દ્વારા એક જ દિવસે આ તમામ ખેડૂતોને વળતરના ચેક આપવામાં આવ્યા હતા.

APMC સાવલી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજાયો

વડોદરાના સાવલી ખાતે રાજ્ય સરકારના સહયોગ અને આત્મા પ્રોજેક્ટ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર પોતાની પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કરી રહયા છે. જેના કારણે ગ્રાહકોને ચોખ્ખો રસાયણમુક્ત પ્રાકૃતિક પેદાશો મળી રહે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પાકનું વેચાણ અને ખરીદીમાં વેચનાર તેમજ લેનાર બંનેને ફાયદો થાય છે.

રાસાયણિક કૃષિને તિલાંજલી આપી

​​​​​​​આ કાર્યક્રમમાં સાસંદ રંજનબેન ભટ્ટેએ જણાવ્યું હતું કે, જંગલમાં વનસ્પતિ-વૃક્ષોને કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી, છતાં તેમની વૃદ્ધિ-વિકાસ બરાબર થાય છે. જંગલમાં પ્રાકૃતિક રીતે વૃક્ષોનો વિકાસ થાય છે એ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે પાક વિકસે એ જ પદ્ધતિ પ્રાકૃતિક કૃષિ છે. વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણિક કૃષિને તિલાંજલી આપી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે, કારણ કે પ્રાકૃતિક કૃષિ જ ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક છે.

પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી પર આત્મસંતોષ થશે
​​​​​​​ધારાસભ્ય કેતનભાઈ ઇમાનદારે જણાવ્યું કે, સાવલી તાલુકાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને સારૂ એવું ઉત્પાદન કરીને નફો કરી રહ્યા છે. જેમાં બજારમાં મળતી વસ્તુઓ રાસાયણિક, ભેળસેળયુક્ત અને ભાવમાં ગ્રાહકોને પોસાતી હોતી નથી જ્યારે અહીં પ્રાકૃતિક કેન્દ્ર પર ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક તાજી શાકભાજી, ફળો , કઠોળ, ઘી તેમજ રસોડાના કરિયાણા માટે વપરાતી મોટાભાગની ખાદ્ય વસ્તુઓ તાજી અને ચોખ્ખી તેમના સ્ટોલ ઉપર મળે છે. પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી પર આત્મસંતોષ થશે. જયારે આપણા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ ગણાવ્યું છે. તેમજ પ્રાકૃતિક કૃષિને ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી છે. આ પરીસંવાદમાં પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોઓ તેમના જાત અનુભવો વર્ણવ્યા હતા. સાસંદ રંજનબેન ભટ્ટે, ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર,જિલ્લા ખેતીવાડી અધિકારી એન.એમ વસાવાના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં સાવલી તેમજ અન્ય તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.