Gujarat

શહેરના તબીબની ગુજરાત ઓર્થો. એસો.ના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના પ્રમુખપદે સૌરાષ્ટ્રના જાણીતા અને જામનગરની જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજય સાતાની સર્વાનુમતે વરણી થઇ છે. પ્રમુખ બનતાની સાથે તેઓએ ઓર્થોપેડિક તબીબોના વિકાસ માટે ફેલોસીપ યોજનાની ઘોષણા કરી છે.

ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની બેઠક તાજેતરમાં ભાવનગર મુકામે યોજાઇ હતી. જેમાં નવા વર્ષના પ્રમુખપદે જામનગરના ડો.વિજય રમેશચંદ્ર સાતાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. પ્રમુખ તરીકેના વકતવ્યમાં ડો.સાતાએ સમગ્ર વર્ષમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના બધા પાંચ ઝોનમાં આ વર્ષ દરમ્યાન સતત ઓર્થોપેડીક વિજ્ઞાનને આગળ વધારવા માટે એકેડેમીક કાર્યક્રમો કરવામાં આવશે. જે માટે ખાસ સમર્પિત વિવિધઝોનના ખાસ પસંદ કરેલા ૧૦ ઓર્થોપેડિક સર્જનની ટીમની પણ તેમણે ઘોષણા કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલને લગતા અલગ-અલગ પ્રશ્નો અંગે પણ ખાસ કાર્યક્રમો બધા ઝોનવાઇઝ કરવામાં આવશે.

ઓર્થોપેડિકસ વિષયમાં ગુજરાત અને ગુજરાત બહારના ઓર્થોપેડિક સર્જન દ્વારા જે શ્રેષ્ઠ ઓપરેશનો તથા નવા સંશોધનો કરવામાં આવતાં હોય તેમની માહિતી બધાજ ઓર્થો.સર્જન સુધી પહોંચાડવા માટે ખાસ 10 આવૃતિ ઇ-જર્નલની પ્રકાશિત કરવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ કવીઝ અને લેકચર કોર્ષ થશે.

આ વર્ષે ખાસ જુનિયર તથા મીડ-કેરીયરમાં પહોંચેલા ઓર્થો.સર્જન માટે ખાસ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશન ફેલોશીપની શરૂઆત કરવામાં આવશે.