જામનગરમાં વકીલ હારૂનભાઇ પલેજાની હત્યામાં સંડોવાયેલા શખ્સોનો કેસ ન લડવા બાર એસોસીએશને નિર્ણય કર્યો છે.
જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની બેડીમાં સાયચા ગેંગના 15 શખ્સે નિર્મમ હત્યા કરતા જામનગરના તમામ વકીલો ગુરૂવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતાં. જામનગરની અદાલતમાં વકીલ મંડળની બેઠક મળી હતી.
જેમાં પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી મનોજ ઝવેરી સહિતના હોદ્દેદારો તથા સદસ્યોએ સ્વ. હારૂનભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ હત્યામાં સંડોવાયેલા શખ્સો તરફે જામનગરના વકીલ મંડળના કોઈ સદસ્ય રોકાશે નહીં તે ઉપરાંત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક બનાવવામાં આવે તે માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત વકીલો પર અવારનવાર હુમલા થતાં હોય વકીલોને સ્વરક્ષા માટે હથિયારનું લાયસન્સ વહેલી તકે આપવા માગણી કરાશે.
જામનગર ઉપરાંત રાજ્યના કોઈપણ વકીલ મંડળના સદસ્યો આરોપીઓના વકીલ તરીકે ઉપસ્થિત ન રહે તે માટે અન્ય જિલ્લાના વકીલ મંડળોને અનુરોધ કરાશે. ગુજરાત બાર કાઉન્સીલ પણ રાજ્ય સરકાર પાસે વકીલોના સંરક્ષણ માટે કાયદો બનાવવા આવે તે માટે જોરશોરથી માગણી કરવામાં આવશે.

