Gujarat

ઝાબ ગામે ઉચ્છ નદી ઉપર ૭ કરોડના ખર્ચે બનનારા પુલનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત

 પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે ઉચ્છ નદી પર બનનારા નવીન પુલનું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા ખાતમુહુર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને પડતી મુશ્કેલી જોઈ ધારાસભ્ય દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરી મંજૂરી મેળવવામાં આવી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લ્હાવો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં ૭૦૦ લાખના ખર્ચે મંજૂર થયેલો પુલ ગ્રામજનો માટે ખુબ ઉપયોગી નિવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત તાલુકાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે, તેમ જણાવતા જયંતીભાઈએ સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામનાં લોકો અપીલ કરી હતી. વધુમાં કોઈ પણ કારણોસર ઉભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો. સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે, તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં એ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પુલનું નિર્માણ થતાં બોરધા,સજુલી,દેગલા,નાની અમરોલ જેવા આસપાસના ગામના લોકોને ખૂબ મદદરૂપ થશે. ધારાસભ્યના હસ્તે થયેલા પુલના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કવાંટ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઇ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ ભરતભાઇ રાઠવા, અવિનાશભાઈ ,પાણીબાર ગ્રામ પંચાયત સરપંચ કાળુભાઈ રાઠવા તેમજ ગામના સૌ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.