Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી-2024

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે પ્રિન્ટીંગ પ્રેસના માલિકો સાથે બેઠક યોજાઇ
*મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં વિના કોઇ પત્રિકા અથવા પોસ્ટર છાપી શકાશે નહી*
લોકસભા સામાન્ય ચૂંટણીની તા. ૧૬ માર્ચ-૨૦૨૪ ના રોજ જાહેરાત થતાં સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રિન્ટીંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ અને તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરવામાં આવ્યા.
જે અંતર્ગત પ્રિન્ટીંગ પ્રેસના માલિકોને ચૂંટણી સંબંધી સુચનાઓ આપતાં જણાવવામાં આવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭-ક ની જરૂરીયાતો દર્શાવી તેના ઉલ્લંઘન માટે આ કાયદા હેઠળ પ્રિન્ટીંગ પ્રેસનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે. ચૂંટણી અંગેની પુસ્તિકાઓ, પોસ્ટરો, ચોપાનીયા અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી આવી અન્ય સામગ્રી પ્રિન્ટ અને પ્રકાશકના નામ અને સરનામાં પ્રિન્ટ લાઇનમાં સ્પષ્‍ટ રીતે દર્શાવવાની સુચના પ્રેસના માલિકોને આપવામાં આવી છે. મુદ્રિત સામગ્રીની નકલ અને પ્રકાશકનું એકરારનામું મુદ્રકે જિલ્લા ચૂંટણી અધીકારીને મોકલાવાનું છે અને જો રાજ્યના પાટનગરમાં તેનું મુદ્રણ કરવામાં આવ્યુ હોય તો એવાં મુદ્રણના ત્રણ દિવસની અંદર તે મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલવાનું રહેશે.
ચૂંટણી પંચ દ્વારા પત્રિકાઓ, પોસ્ટરો વગેરે છપાવવા ઉપર પણ જરૂરી નિયંત્રણ મુકવામાં આવ્યા છે. કોઇપણ વ્યક્તિ, ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય તેવી કોઇ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહી. પત્રિકાઓ અને પોસ્ટર પર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઇ બાબત ગેરકાયદેસર હોય, લાગણી દુભાય તેવું હોય અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધાપાત્ર હોય કે વિરોધીઓના ચારિત્ર્યનું હનન કરે એવું કઇ ધરાવતો દસ્તાવેજ હોય તો તે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઇ શકાય.
          બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે ગઢવી સહિત અધિકારીઓ અને પ્રિન્ટીંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા.