Gujarat

કે.જી. ચૌધરી અને બી.આર. આહિરને ગાંધીનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા

ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલા શુક્રવારે રાત્રે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે બદલીના આદેશ જારી કરવામાં આવ્યા હતા. જે પૈકી એડિશનલ કલેક્ટરોના બદલીના રાઉન્ડમાં મહાનગરપાલિકામાં ડીવાયએમસીની બે ખાલી જગ્યા પર પણ અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. શનિવારે બપોરે ચૂંટણીની જાહેરાત પહેલા આ બંને અધિકારીઓએ હાજર થઇને ચાર્જ પણ સંભાળી લીધો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વિસ્તાર અને કામગીરી વધવાને કારણે નાયબ મ્યુનિસિપલ કમિશનરની ત્રણ જગ્યા મંજૂર થઇ છે. પરંતુ આ ત્રણેય જગ્યા મોટાભાગનો સમય ખાલી રહી હતી. ગત વર્ષે બે ડીવાયએમસીને પ્રમોશન આવ્યા બાદ ૮ મહિના સુધી બે જગ્યા ખાલી રહી હતી અને એકમાત્ર ડીવાયએમસી દ્વારા કામગીરી સંભાળવામાં આવી હતી. તે પછી બે અધિકારીની નિમણૂંક થઇ હતી. પરંતુ ટૂંકા ગાળામાં ફરી ગત ફેબ્રુઆરીમાં ત્રણ પૈકી બે ડીવાયએમસીની બદલી થઇ હતી જેથી ફરી એક જ ડીવાયએમસી રહ્યા હતા.

શુક્રવારે રાત્રે થયેલા બદલીના આદેશમાં કે.જી. ચૌધરી અને બી.આર. આહિરને ગાંધીનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. ચૂંટણીની આચારસંહિતા અમલી થાય તે પહેલા શનિવારે સવારે આ બંને અધિકારીઓએ ચાર્જ પણ સંભાળી લીધો હતો.