સુદર્શન સેતુ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ આગામી હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે.
તહેવાર દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દ્વષ્ટિએ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તારીખ 27 માર્ચના રાત્રિના આઠ વાગ્યા સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી બેટના દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહનો તેમજ ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ફૂલડોલ ઉત્સવ અંતર્ગત દ્વારકા ખાતે હાલ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જતા હોય છે. જેમાં તાજેતરમાં 47 લોકોને ઝાડા અને ઉલ્ટી અંગેની સમસ્યા ઉભી થઈ હતી. આ તમામને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેઓને સારૂ થઇ જતા રજા આપવામાં આવી છે.
આથી ફૂલડોલ ઉત્સવમાં દર્શને દ્વારકા જનારા તમામ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન તાજો, ગરમ અને રાંધેલો ખોરાક લેવો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી, ફળ તેમજ જ્યુસનું સેવન કરવું.

યાત્રામાં કોઇપણ શ્રદ્ધાળુઓ કે સ્વયં સેવકોને તાવ, તૂટ, કળતર કે ગભરામણ કે કોઇપણ શારીરિક સમસ્યા ઉદભવે તો આરાધના ધામ, વડાલીયા સિંહણના પાટિયાની બાજુમાં, દાતા ગોલાઇ, દાતા પાટિયાની બાજુમાં, ખોડીયાર મંદિર, ખંભાળીયા, વડત્રા પાટિયું, બેહ ગામના પાટિયાની બાજુમાં, સોનારડી પાટિયાની બાજુમાં, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા, કિર્તી સ્તંભ, દ્વારકા, હંજડાપર પાટિયાની બાજુમાં, હાબરડી પાટિયાની બાજુમાં, રામરોટી આશ્રમ, જુવાનપુર, ચોકીવારી આશ્રમ, મહાદેવીયા, પાલાબાપાની વાડી, રણજીતપુર, શ્રી દ્વારકાધીશ મંદિર, બેટ તેમજ નાગેશ્વર મંદિર, નાગેશ્વર ખાતે આરોગ્યની ટીમ 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

