યાત્રાધામ દ્વારકાના આંગણે આગામી તા.25મીના રોજ ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભાવિકોના અભૂતપુર્વ પ્રવાહને લક્ષમાં લેતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
સોમવારે બપોરે જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવાશે.ત્યારે ઉત્સવમાં સહભાગી બનવા માટે ગુજરાત સહિત દેશના જુદા જુદા પ્રાંતમાંથી લગભગ ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ પદયાત્રા કે વાહન મારફતે પહોચશે એવી ધારણા દર્શાવાઇ રહી છે.

યાત્રાધામમાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા રાજ્યભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્તા માર્ગે લાખોની સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહયો છે.ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે.
દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોએ કિર્તી સ્તંભ પાસેથી બેરીકેટસ બાંધવામાં આવ્યા છે જેથી કતારબધ્ધ રીતે શ્રધ્ધાળુઓને છપ્પન સીડી વાટે સ્વર્ગ દ્વારેથી મંદિર અંદર પ્રવેશ આપવામાં આવશે.
જગત મંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જયારે જગતમંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ,મંડપ ગોઠવવામાં આવી રહયા છે. તા.25 મી માર્ચે બપોરે 2.00 થી 3.00 સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. અત્યારથી જ ફુલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલા આરતીથી બપોરે અનોસર તેમજ સાંજે ઉત્થાપનથી શયન સુધી ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ભીડને કન્ટ્રોલ કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
SP, 6 DySP ,70 PI-PSI સહિતના અધિકારી ઉપરાંત 1100 પોલીસ જવાનો તૈનાત રહેશે
પોલીસ દ્વારા યાત્રીઓની સલામતી માટે દેવભૂમિ પોલીસ વડા નીતેશકુમાર પાંડેયની સૂચના અને ડીવાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના સુપરવીઝનમાં ફૂલડોલ ઉત્સવમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, બહારગામથી પધારતા ભક્તો સુચારુંરૂપે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી શકે તેવા હેતુથી એક એસપી, 6 ડિવાયએસપી 70 પીઆઇ તથા પીએસઆઇ અને 1100 જેટલા પોલીસ જવાનો તથા બે સી ટીમ ખડે પગે તૈનાત રહેશે.ખાસ કરી જગત મંદિર પરિસરમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો યાત્રિકોની સુખાકારી માટે તૈનાત કરાશે એવુ સુત્રોએ જણાવ્યુ છે.
ઠાકોરજીને શ્વેત વાઘામાં વિશિષ્ટ શ્રૃંગાર સાથે મહાભોગ
જગતમંદિરમાં હોળાષ્ટકની સાથે જ ઠાકોરજીને શ્વેત વાઘામાં વિશિષ્ટ શૃંગાર સાથે ફાગના વસ્ત્રો મહાભોગ યોજવામાં આવી રહયા છે જે કુલડોલ ઉત્સવ સુધી જોવા મળશે.સાથે ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતી સમયે પણ અબીલ ગુલાલની પોટલી સાથે કેસરયુકત જલ ભરેલી પીચકારી સાથે ઠાકોરજી સંગ રંગે રંગાવાનો ભાવ પ્રગટ કરાઈ રહયો છે. મંદિરના ગર્ભગૃહમાં પુજારીગણ તેમજ મુખ્ય સભાખંડમાં ભાવિકો સવારની શૃંગાર તથા સાંજે સંધ્યા આરતીમાં ઠાકોરજી સંગ રંગે રંગાતા પણ જોવા મળી રહયા છે.

