જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલી એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારના લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડી એ દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા 3,28,000 ની માલમતા કબજે કરી છે.
જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં રહેતા મહરાજસિંહ જ્યવંતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાની વાડીના મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં આવીને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી ના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન 9 શખ્સો ગંજી પાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે વાડી માલિક મહીરાજસિંહ જયવંતસિંહ જાડેજા તેમ જ ધ્રોળના કાંતિ મગનભાઈ દલસાણીયા, વાંકીયા ગામના કારાભાઈ ભીખાભાઈ ઝાપડા, રાજકોટના કાંતિલાલ ડાયાભાઈ ભીમાણી, ખંભાલીડા ગામના નરેન્દ્રસિંહ રામસિંગ જાડેજા તેમજચેતન ભેંસદડીયા અને જાદવજીભાઈ જેસાભાઈ બાંભવા ઉપરાંત ધ્રોલના શાંતિલાલ બાવજીભાઈ ગડારા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,38,500 ની રોકડ રકમ, નવ નંગ મોબાઈલ ફોન, પાંચ નંગ બાઇક સહિત કુલ 3,28,650 ની માલમતા કબજે કરી છે.

