Gujarat

સામખિયાળી 108ની ટીમે તાકીદે સારવાર આપી વધુ એક મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી

ભચાઉ તાલુકાના જડશા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રુસુતીની પીડા ઉપડતા આશાવર્કર બહેન રાજબાઈએ 108 ને કોલ કર્યો હતો. જેના પગલે સામખ્યારી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટિમ સગર્ભા મહિલાના ઘરે પહોંચી હતી અને મહિલાને સાથે લઈ યોગ્ય સારવાર માટે લાકડીયા સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા.

જોકે આ સમયે કંથકોટ ગામ નજીક પહોંચતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા વચ્ચે જ ડિલિવરી કરાવી પડે તેમ હતી. બાળક ગર્ભમાં પાણી પી ગયેલ હોવાથી હ્રદયના ધબકારા ઓછા મળતા તાકીદની સારવારની સ્થિતિ સર્જાઈ હતી.

દરમિયાન ઇએમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ વિપુલભાઈ ચૌહાણે ઇમરજન્સી ERCP ડોક્ટર મહેશસરને કોલ કરી નિષ્ણાંતની સલાહ લીધી હતી. શક્સન અને CPR આપી કુત્રિમ રીતે શ્વાસ આપી બાળક નું હ્રદય ધબકતું કર્યું હતું અને 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો તથા ટેકનીકનો ઊપયોગ કરીને રસ્તામા એમ્બ્યુલન્સ ઉભી રાખી સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. પ્રસુતિ બાદ વધુ સારવાર અર્થે માતા અને બાળકને લાકડીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાળકનો જન્મ થતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર વધુ એક વખત રસ્તા વચ્ચે ડિલિવરી કરાવતા માતા અને બાળકનો અમૂલ્ય જીવ મુશ્કેલીમાં મુકાતા બચી ગયેલ હતો. પ્રોગ્રામ મેનેજર સુજીતભાઈ અને EME હરેશભાઈ દ્રારા ટીમની કામગીરી બિરદાવવામાં આવી હતી.