Gujarat

જામનગર શહેર-જિલ્લામાં 5 વર્ષમાં પુરૂષ કરતા મહિલા મતદારની સંખ્યામાં 6,549નો વધારો

જામનગરમાં લોકસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો દ્રારા મતદારોના ગણિત શરૂ થયા છે. ત્યારે જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 1,02,374 મતદાર વધ્યા છે. જેમાં ખાસ કરીને શહેર-જિલ્લામાં 5 વર્ષમાં પુરૂષ કરતા મહિલા મતદારની સંખ્યામાં 6549 નો વધારો નોંધાયો છે.

જામનગર ઉતર બેઠક પર સૌથી વધુ 39392 અને કાલાવડ બેઠક પર સૌથી ઓછા 10551 નવા મતદાર ઉમેરાયા છે. વર્ષ-2019ની સરખામણીએ વર્ષ-2024 માં પુરૂષ મતદારોમાં 47910 અને મહિલા મતદારોમાં 54459 નો વધારો નોંધાયો છે.

શહેર-જિલ્લામાં વર્ષ-2024ની 5 જાન્યુઆરીની સ્થિતિએ કુલ 12,11,272 મતદારો છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાની અમલીકરણની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તડામાર તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ ચૂંટણી જાહેર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કયાં કેટલા મતદારો છે તેના ગણિત શરૂ થયા છે.

ત્યારે જામનગર શહેર-જિલ્લામાં ગત એટલે કે 2019-માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કુલ 1108898 મતદાર નોંધાયા હતાં. જેની સરખામણીએ વર્ષ-2024માં 5 જાન્યુઆરીની સ્થિતિએ 1211272 મતદાર હોય પાંચ વર્ષમાં કુલ 102374 મતદારનો વધારો નોંધાયો છે.

ખાસ કરીને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર પાંચ વર્ષમાં પુરૂષ મતદારમાં 47910 અને મહિલા મતદારમાં 54459 નો વધારો થયો છે. પુરૂષની સરખામણીએ મહિલા મતદારની સંખ્યા 6549 વધી છે. ખાસ કરીને જામનગર ઉતર બેઠક પર સૌથી વધુ 39392 અને કાલાવડ બેઠક પર સૌથી ઓછા 10551 નવા મતદારનો ઉમેરો થયો છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્બારા સતત મતદાર યાદી સુધારણા સહિતના કાર્યક્રમો અને ખાસ ઝુંબેશના કારણે શહેર-જિલ્લામાં પાંચ વર્ષમાં કુલ 102374 નવા મતદાર ઉમેરાયા છે. જે આગામી લોકસભાની ચૂંટણીમાં કીંગમેકર પણ સાબીત થાય તો નવાઇ નહીં.

14 થર્ડ જેન્ડર મતદાર નોંધાયા

જામનગર શહેર-જિલ્લામાં વર્ષ-2024ની 5 જાન્યુઆરીની સ્થિતિએ 14 થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે. જયારે વર્ષ-2019 માં 9 થર્ડ જેન્ડર મતદારો હતાં. જેની સંખ્યામાં 5 નો વધારો થયો છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતની ટીમે રિસિવિંગ, ડીસ્પેચ, કાઉન્ટીંગ સેન્ટર અને હરીયા કોલેજની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી હતી.