Gujarat

પોલીસ જવાનોને બાઇક અપાયા બાદ હવે શી ટીમને ટુ વ્હીલર ફાળવાયાં, વાયરલેસ સેટથી સજ્જ મોપેડથી કંટ્રોલ રૂમ સાથે સીધા સંપર્કમાં રહી શકાશે

વડોદરા પોલીસ હાઈટેક થઈ રહી છે. કોઈપણ આકસ્મિક બનાવ બને તો મહિલાઓને લગતા ગુનાને રોકવા કે તરત મદદ માટે મહિલા પોલીસને મોકલાય છે. શી ટીમને આ માટે પીસીઆર વેન ફાળવાઈ છે.

જોકે જો આ વેન કોઈ કામમાં વ્યસ્ત હોય તો સમય ન બગડે અને તુરંત બીજી ટીમ જે તે સ્થળ પર પહોંચી શકે તે માટે શી ટીમ-2ને ટુ વ્હીલર આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગૃહ મંત્રીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દરેક પોલીસ મથકમાં બે વાહન ફાળવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પુરુષ પોલીસ જવાનને બાઇક આપવામાં આવી હતી, જેનાથી તે પેટ્રોલિંગ અને અન્ય કામગીરી માટે જઈ શકે. શી ટીમને ફાળવવામાં આવેલા ટુ-વ્હીલરમાં આગળ અને પાછળના ભાગે લાલ અને ભૂરી લાઈટ લગાડવામાં આવી છે. તેમજ આગળના ભાગે વાયરલેસ મેસેજ રિસીવ કરી શકાય તેવો સેટ લગાડવામાં આવ્યો છે. જેથી શી ટીમ વન વ્યસ્ત હોય તો પોલીસ કંટ્રોલ રૂમમાંથી ડાયરેક્ટ બીજી ટીમને સ્થળ ઉપર જવા સૂચના આપી શકાય અને સ્થળ ઉપર પહોંચેલી ટીમ તે ઘટનાનું વિવરણ પોલીસ કંટ્રોલ રૂમને આપી શકે.

અગાઉ બેટરીવાળી સાઇકલ આપી હતી

અગાઉ પોલીસને બેટરી વાળી સાઇકલ અપાઈ હતી, જેથી સાંકડી શેરી કે ભીડવાળા રસ્તા પર પોલીસ સરળતાથી અને ઝડપથી પહોંચી શકાય. જોકે પોલીસ સ્ટેશનમાં આ સાઇકલો ધૂળ ખાતી જોવા મળે છે. જેનો ઉપયોગ થઈ શકતો નથી.