અંજારના ખોખરા ગામે ચાલતી આશાપુરા ગૌશાળાના પ્રમુખ અને સભ્યએ સાથે મળીને ગૌશાળાની ગાયો માટે મળતી સરકારી સહાયના 43.28 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પ્રમુખ અને સભ્યએ 2019થી ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન આ ગોટાળા કર્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.
ખોખરા ગામે રહેતા 63 વર્ષિય ભરતસિંહ ભીખુભા જાડેજાએ પોલીસને જણાવ્યું કે, ગ્રામજનોએ ગૌમાતાની સેવા માટે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી ગૌશાળાનું નિર્માણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા સારા-નરસા પ્રસંગે અપાતા ફંડફાળામાંથી ગૌશાળાનો નિભાવ થાય છે.
ટ્રસ્ટીઓએ ગૌશાળાના વહીવટ માટે 2019માં પ્રમુખ તરીકે ગામના રતાભાઈ કરસનભાઈ બોરીચા અને સભ્ય તરીકે સવા રામજીભાઈ ડાંગર તથા શામજી ભચાભાઈ બોરીચાની 2019માં નિમણૂક કરી હતી.
એપ્રિલ 2019માં ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળામાં રહેલી પ્રત્યેક ગાયદીઠ 25 રૂપિયાની સહાય આપવાની યોજના શરૂ કરી હતી. ગ્રામજનો આ યોજના અંગે અજાણ હતા, પરંતુ પ્રમુખ રતાભાઈ બોરીચા અને સભ્ય સવાભાઈ ડાંગરે આ યોજના હેઠળ ગૌશાળાની નોંધણી કરાવી બારોબાર રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું.
સમગ્ર મામલો ગયા મહિને ફરિયાદીના પુત્રને ધ્યાને આવતાં ગ્રામજનોએ એકઠાં થઈ મિટીંગ બોલાવી હતી. મીટિંગમાં પ્રમુખ અને સભ્ય પાસેથી હિસાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ તેઓ નારાજ થઈને મીટિંગ છોડીને ચાલ્યાં ગયાં.
ત્યારબાદ ગ્રામજનોએ ગૌશાળાના બેન્ક ખાતાંની વિગતો તપાસતા પ્રમુખ અને સવા ડાંગરે અત્યારસુધીમાં બેન્કમાં જમા થયેલા 43.28 લાખ રૂપિયા પોતે લઈ લીધા હોવાનું બહાર આવ્યું હતું. અંજાર પોલીસે ફરિયાદના આધારે બંને સામે ઈપીકો કલમ 409 અને 120—બી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.