Gujarat

ખંભાળિયામાં મતદાન જાગૃત્તિ અર્થે ‘રન ફોર વોટ’ દોડ યોજાઈ, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આ ચૂંટણી અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતતા કેળવાય તેવા ઉમદા આશયથી ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતેથી ‘રન ફોર વોટ’ માં “આ છે સૌની જવાબદારી, મત આપે સૌ નરનારી”, “મારો મત મારી તાકાત, હું મતદાન કરીશ અને કરાવીશ” સહિતના સૂત્રો થકી મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરવવામાં આવ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી મંગળવાર તા. 7ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો મહત્તમ મતદાન માટે પ્રેરાય તેવા ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંની પ્રાંત કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસ અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ તેમજ ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત જિલ્લાના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી “રન ફોર વોટ” ને પ્રસ્થાન કરાવ્યું હતું. ખંભાળિયા પ્રાંત કચેરી ખાતેથી શરૂ થઈ બસ સ્ટેશન, જી.વી.જે. હાઈસ્કૂલ, નગર ગેઈટ, બેઠક રોડ થઈ અહીંની પ્રાંત કચેરી ખાતે સંપન્ન થઇ હતી.

આ રેલીમાં જિલ્લા ચૂંટણી તંત્ર, વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને વિવિધ એનજીઓ, ખંભાળિયા શહેરના નગરજનોએ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઇ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો.