Gujarat

વંટોળિયા પવન સાથે અમી છાંટણા પડ્યા

ખંભાળિયા પંથકમાં ગતરાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વંટોળિયા જેવા પવન સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અમી છાંટણા વરસ્યા હતા. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું. જેમાં તેજ ફૂંકાતા પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી.

આટલું જ નહીં, આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. જોકે માવઠું ન વરસતાં ખાસ કરીને ધરતીપુત્રોએ રાહત અનુભવી હતી. બદલાયેલા માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા છેલ્લા દિવસોમાં અનુભવાય રહેલી કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. ગત મોડી રાત્રે બદલાયેલા માહોલ વચ્ચે અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોએ હાલાકીનો અનુભવ કર્યો હતો.