કોઈમ્બતુર સાયબર પોલીસે ૪ મેના રોજ પ્રખ્યાત યુટ્યુબર સવુક્કુ શંકર ની ધરપકડ કરી હતી, મહિલા પોલીસ કર્મચારીઓ વિશે અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ યુટ્યુબર ઉપર ગુંડા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. સવુક્કુ શંકર પર સાત અલગ-અલગ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
એક મહિલા એસ આઈ દ્વારા યુટ્યુબર સાવુક્કુ શંકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ ૨૯૪ (બી), ૩૫૩, ૫૦૯, આઈટી એક્ટની કલમ ૬૭ અને તમિલનાડુ મહિલા ઉત્પીડન નિષેધ કાયદાની કલમ ૪ હેઠળ કેસ નોંધ્યો છે. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ યુટ્યુબર સવુક્કુ શંકરના ઘણા વીડિયો વિવાદોમાં આવી ચૂક્યા છે.
એક કેસમાં, યુટ્યુબે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ૪ માર્ચે સાવુક્કુ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વિડિયો બ્લોક કરવામાં આવ્યો છે. તે વીડિયોમાં સાવુક્કુએ ફિલ્મ પ્રોડક્શન હાઉસ લાયકા પ્રાઈવેટ લિમિટેડ પર તેમની ફિલ્મો બનાવવા માટે ડ્રગની દાણચોરીના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પ્રોડક્શન હાઉસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં કોર્ટના આદેશ પર વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે તમિલ યુટ્યુબ ચેનલ ‘રેડ પિક્સ’ના માલિક ફેલિક્સ ગેરાલ્ડને આરોપી નંબર ટુ બનાવ્યો છે. શુક્રવારે સાયબર પોલીસે નોઈડાથી તેની ધરપકડ કરી હતી. ગેરાલ્ડે તેની ચેનલ ‘રેડ પિક્સ’ પર યુટ્યુબર સવુક્કુ શંકર સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. યુટ્યુબર શંકરે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ સામે વાંધાજનક રીતે વાત કરી હતી.
ફેલિક્સે તેના આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જે ફગાવી દેવામાં આવ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ કુમારેશ બાબુએ ટિપ્પણી કરી હતી કે સાવુક્કુ શંકરને વાંધાજનક ટિપ્પણી કરવા માટે ઉશ્કેરવાના કેસમાં ગેરાલ્ડને પ્રથમ આરોપી બનાવવો જોઈએ.
જસ્ટિસ બાબુએ એમ પણ કહ્યું કે કેટલીક યુટ્યુબ ચેનલો સમાજ માટે ખતરો બની રહી છે. તેમણે સૂચન કર્યું કે ઇન્ટરવ્યુ લેનારાઓ સામે પણ પગલાં લેવા જોઈએ જે લોકોને અપમાનજનક અથવા વાંધાજનક ટિપ્પણી કરવા માટે ઉશ્કેરે છે. ગેરાલ્ડને ટ્રાન્ઝિટ વોરંટ પર ત્રિચી લાવવામાં આવ્યો હતો.