Gujarat

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના આર્થિક સલાહકાર ચિરંજીવી એ આપ્યું રાજીનામું

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના આર્થિક સલાહકારે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર નકશામાં ત્રણ ભારતીય પ્રદેશોને સામેલ કરવાનો વિરોધ કર્યો છે. આ પછી નેપાળમાં તણાવ સર્જાયો હતો અને લાંબા વિવાદ બાદ આખરે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્‌યું હતું. પાડોશી દેશના આ પગલાને ભારત પહેલા જ ફગાવી ચૂક્યું છે. નેપાળી રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ અનુસાર ચિરંજીવી નેપાળનું રાજીનામું રવિવારે સ્વીકારવામાં આવ્યું છે. ચિરંજીવીએ સોમવારે કહ્યું, ‘મેં એક અર્થશાસ્ત્રી અને કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર તરીકે ટિપ્પણી કરી હતી.

કેટલાક મીડિયા સંગઠનોએ રાષ્ટ્રપતિ પદની આદરણીય સંસ્થાને વિવાદમાં સામેલ કરવાનો પ્રયાસ કરીને મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું. નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ભારત કહેતું રહ્યું છે કે આ ત્રણેય ક્ષેત્ર તેનો હિસ્સો છે. ચિરંજીવીએ કહ્યું, ‘તેથી, મારા નિવેદનના આધારે રાષ્ટ્રપતિને વિવાદમાં ફસાવવાનો પ્રયાસ કરનારા કેટલાક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા પ્રયાસની નૈતિક જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું છે.’

તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘આ નિવેદનમાં મારો ઈરાદો એક જાગૃત નાગરિક તરીકે લોકોને જાગૃત કરવાનો હતો કે આ પ્રકારનું કૃત્ય દેશ અને લોકો માટે એવા સમયે વ્યવહારિક સમસ્યાઓ ઊભી કરી શકે છે જ્યારે (નકશા મુદ્દે) રાજદ્વારી સ્તરે વાતચીત થઈ રહી છે. . ગયા અઠવાડિયે કેબિનેટની બેઠકમાં ૧૦૦ રૂપિયાની નવી નોટ છાપવામાં જૂનાની જગ્યાએ નવા નકશાનો ઉપયોગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. સીપીએન-યુએમએલના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચિરંજીવી નેપાળની તેમની ટિપ્પણી અંગે જાહેરમાં ટીકા કરી હતી.

અગાઉ, સિવિલ સોસાયટીના નેતાઓએ ૧૦૦ રૂપિયાની નવી નોટો છાપવાના સરકારના ર્નિણય વિરુદ્ધ તેમની ટિપ્પણી પર ચિરંજીવીને દૂર કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે ચિરંજીવીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતી વખતે રાષ્ટ્રીય હિત વિરુદ્ધ નિવેદનો કર્યા હતા. નેપાળે, ઓલીની આગેવાની હેઠળની સરકાર, મે ૨૦૦૦ માં એક નવો રાજકીય નકશો બહાર પાડ્‌યો હતો જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પ્રદેશોને તેના ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે ભારતના વાંધો હોવા છતાં તમામ સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાતા જૂના નકશાને બદલી નાખ્યો.