Gujarat

જેતપુરમાં મોટર રિવાઇડીંગની દુકાનમાંથી કોપરના ભંગારની ચોરી

દુકાનદારે સીસીટીવી ચેક કરી તસ્કરને શોધી એક કલાક તેનો પીછો કરી પકડી પોલીસને હવાલે કર્યો: પોતે જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
જેતપુરમાં આવેલ મોટર રિવાઇડીંગની દુકાનમાંથી કોપરના ભંગારની ચોરી કરી નાસી છૂટેલા શખ્સ પાછળ દુકાનદારે એક કલાક પીછો કરી તસ્કર ગોંડલના મુકેશને પકડી પોતે જ ચોરીનો ભેદ ઉકેલી પોલીસને સોંપ્યો હતો.
બનાવ અંગે જેતપુરમાં અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતાં બકુલભાઈ પરસોતમભાઈ પોકર (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જેતપુરમાં સારણના પુલ પાસે સંતોષ મોટર રિવાઇડીંગ નામની દુકાન આવેલ છે.  ગઇ તા.08/05/2024 ના તેઓ દુકાને કામ કરતાં હતા ત્યારે દુકાનનું શટર બંધ કરી વસ્તુ લેવા જેતપુર બોખલા દરવાજે ગયેલ અને થોડીવારમાં વસ્તુ લઇ  દુકાને પરત આવતા જોયેલ કે, દુકાનનું અડધુ શટર ખુલ્લુ હતુ અને તેમાં કોપરનો ભંગાર ભરતો તે પ્લાસ્ટીકની કોથડી દેખાયેલ નહી જેથી દુકાનમાં લાગેલ સીસીટીવી ફુટેઝ જોતા એક શખ્સ દુકાનમાં આવી કોપરનો ભંગાર આશરે 15 કિલોની પ્લાસ્ટીકની કોથડી રૂ.10,500 નો મુદ્દામાલ લઈ જતો દેખાયો હતો.
જેથી તેઓએ સીસીટીવી ફુટેઝ મિત્રોને દેખાડતા જાણવા મળેલ કે, દુકાનમાંથી બાચકુ લઇ જનાર માણસ મુકેશભાઈ રવજીભાઈ વાણંદ, (રહે.ગોંડલ) વાળો છે. જેથી તેઓએ પોલીસને જાણ કરતાં દોડી આવેલ જેતપુર પોલીસે આરોપીની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કરવાં તજવીજ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવા તેઓએ ચોરીના બનાવ બાદ તાત્કાલિક સીસીટીવી ચેક કરી તેમાં દેખાતા શખ્સને શોધો તેની પાછળ એક કલાક પીછો કરી તેને પકડી પાડ્યો હતો અને પોતે જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.