Gujarat

વીજ કચેરી પર લોકોએ કહ્યું- ‘પહેલા મહિને 2 હજાર રૂપિયાનું વીજબિલ આવતું, હવે અઠવાડિયામાં 1100 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે’

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં સ્માર્ટ વીજમીટર લગાડવામાં આવી રહ્યા છે તેની સાથે-સાથે જ વડોદરા પછી હવે જામનગરમાં પણ આ વીજમીટરનો વિરોધ થઈ રહ્યો છે.આજે જામનગરમાં વોર્ડ નંબર ચારમાં આ સ્માર્ટ વીજમીટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.જો કે વીજતંત્ર દ્વારા આ વિરોધને નકારી કાઢવામાં આવ્યો છે.

જામનગરના વોર્ડ નંબર 4 ના ઈન્દીરા સોસાયટી અને મધુરમ સહિતના વિસ્તારોમાં આજે વીજગ્રાહકોએ વિરોધ કર્યો છે. લોકો કહે જે અગાઉ જે વીજમીટર હતાં તેમાં 60 દિવસે રૂ.2000નું વીજબિલ આવતું હતું. અને આ સ્માર્ટ વીજમીટરમાં અમારે 7-8 lદિવસમાં રૂ.1100ની બેલેન્સ ભરાવવી પડી છે.

અમને આ વીજમીટર પોસાતું નથી. આ જ વોર્ડના અન્ય એક વીજગ્રાહક કહે છે. અમારે આ સ્માર્ટ વીજમીટર જોઈતું જનથી, આ વીજમીટર તંત્ર પરત લઇ લ્યે. આ સ્માર્ટ વીજમીટર તો અમારે જોઈતું જ નથી. આ વીજમીટરમાં અમારે વારે ઘડીએ રૂ.500નું રિચાર્જ કરાવવું પડે છે.

આજે વોર્ડ નંબર ચારના નગરસેવિકા રચનાબેન નંદાણિયાની આગેવાનીમાં આનંદ ગોહિલ તેમજ આ વિસ્તારના મહિલાઓ સહિતના રહેવાસીઓએ વીજતંત્ર સમક્ષ તથા મીડિયાકર્મીઓ સમક્ષ આ બધી રજૂઆત કરી હતી અને સ્માર્ટ વીજમીટરનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

સ્માર્ટ વીજમીટરમાં કોઈ જ તકલીફ નથી: ઈન્ચાર્જ ઈજનેર

આ સ્માર્ટ વીજમીટરમાં કોઈ જ તકલીફ નથી. કોઈ જ ફરિયાદ નથી. સંપૂર્ણ વિશ્વસનીય છે અને ભારત સરકારની યોજના અંતર્ગત ખેતીવાડી વીજજોડાણ સિવાયના તમામ જોડાણ માટે આ સ્માર્ટ વીજમીટર ફરજિયાત છે.અગાઉના સાદાં એટલે કે સ્ટેટીક મીટર અને સ્માર્ટ વીજમીટરની યુનિટ રીડિંગ સિસ્ટમ પણ સરખી છે વધુ રકમ ચૂકવવાની થતી નથી.

નાની રકમનું રિચાર્જ પણ કરાવી શકાય છે. બેલેન્સ ખતમ થાય એ પહેલાં અને પછી પણ પાંચ છ વખત જુદાં જુદાં સમયે ગ્રાહકને મેસેજ મોકલવામાં આવે છે. રિચાર્જ માટે પૂરતો સમય આપવામાં આવે છે. બેલેન્સ ખતમ થઈ ગયા બાદ રૂ.300સુધીની માઈનસ બેલેન્સ થાય ત્યાં સુધી વિજજોડાણ બંધ કરવામાં આવતું નથી.અને, આખરે જ્યારે વીજજોડાણ બંધ કરવામાં આવશે ત્યારે પણ સવારે 9થી સાંજના 5 સુધીમાં બંધ કરવામાં આવશે.

રજાના દિવસોમાં પણ વીજજોડાણ બંધ કરવામાં નહીં આવે, ગ્રાહકને રિચાર્જ માટે પૂરતો સમય આપવામાં આવે છે. કોઈ પણ તકલીફ હોય તો ફોન નંબર પણ આપવામાં આવ્યા છે જામનગરમાં સેન્ટ્રલ ઝોનથી વીજમીટર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર શહેર જિલ્લામાં તથા દ્વારકા જિલ્લામાં પણ બધાં જવીજજોડાણોમાં સ્માર્ટ વીજમીટર ફરજિયાત લગાડવામાં આવશે.