ઈનામઃ- કેકેઆર ને ૨૦ કરોડ તો એસઆરએચ ને મળ્યા રૂપિયા ૧૨.૫૦ કરોડ
રવિવારે તમિલનાડુના ચેન્નઈમાં આવેલ ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૪ ની ફાઇનલ મેચ રમાઈ હતી, કોલકતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે હૈદરાબાદને ૮ વિકેટે હરાવી આઈપીએલ ૨૦૨૪ ટ્રોફી પોતાના નામે કરી છે. આઈપીએલમાં આ ત્રીજી વખત છે જ્યારે કેકેઆર ટીમે ફાઇનલ ટ્રોફી જીતી છે.
આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ૧૮.૩ ઓવરમાં ૧૧૩ રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા કેકેઆરએ ૧૦.૩ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ફાઇનલમાં આટલી મોટી જીત સાથે કેકેઆરએ ૫ મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે લીગ તબક્કામાં ૧૪માંથી ૯ મેચ જીતી હતી અને માત્ર ૩ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, વરસાદને કારણે ૨ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર-૧ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું અને હવે તે એસઆરએચ ને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ છે.
એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સને આ સિઝનમાં કુલ ૩ હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ મેચ માત્ર ૨૯ ઓવર ચાલી હતી. તે અત્યાર સુધીની સૌથી ટૂંકી અને અવિરત આઈપીએલ પ્લેઓફ/નોકઆઉટ મેચ પણ બની છે. અગાઉની સૌથી ટૂંકી મેચ ૨૦૧૦માં નવી મુંબઈમાં રમાઈ હતી. આરસીબી અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે ૩૨.૨ ઓવરની મેચ રમાઈ હતી.
ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાનો જાણે વરસાદ કરવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી આ વખતે ઇર્મજિંગ પ્લેયર ઓફ ધ સિઝન તરીકે ચૂંટાયા હતા. તેને ૧૦ લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી.
સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવા બદલ અભિષેક શર્માને સિઝનના સુપર સિક્સર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રીક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝનનો એવોર્ડ દિલ્હી કેપિટલ્સના જેક ફ્રેઝર મેગરકે જીત્યો હતો. આ સિવાય ફરી એકવાર ઓરેન્જ કેપ વિરાટ કોહલીના હાથમાં ગઈ જ્યારે હર્ષલ પટેલે પર્પલ કેપની રેસ જીતી.